સાઉદી અરેબિયાના આભા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક સીરિયન નાગરિકનું મોત નીપજ્યું છે જ્યારે 21 અન્ય નાગરિક ઘાયલ થઇ ગયા છે. સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધનના એક પ્રવક્ત્તાએ આ માહિતી આપી. પ્રવક્ત્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે રવિવારની રાતે 9.10 વાગ્યે યમનના એક વિદ્રોહી સંગઠન ‘હૂથી’એ એરપોર્ટ પર એક આતંકવાદી હુમલો કર્યો.
જોકે, હવે એરપોર્ટ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોમાં સાઉદી અરેબિયા, ઇજિપ્ટ, ભારત અને બાંગ્લાદેશના નાગરિક સામેલ છે જેમાં ત્રણ મહિલા અને બે બાળકો છે. ઘાયલને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે.
સાઉદી અરેબિયાના શહેરો પર હૂથી વિદ્રોહિઓના વધતા હુમલાથી રેડ સી ના હોદેડા માટે સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સંઘર્ષ વિરામ કરારને લઇને અડચણો ઉભી થઇ રહીં છે.
આ મહિને જ 12 જૂનના રોજ આભા એરપોર્ટના એન્ટરન્સ હોલમાં સશસ્ત્ર હૂથીના હુમલામાં ત્રણ મહિલા અને બે બાળકો સહિત 23 લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠનોને યમન અને ઇરાનનું સમર્થન છે.