અમેરિકાના જાસૂસી અધિકારીઓના કહેવા પ્રમાણે અલ-કાયદાના સંસ્થાપક ઓસામ બિન લાદેનના પુત્ર હમઝાનું મોત થઈ ગયું છે. જોકે, હમઝા બિન લાદેનના મોતની તારીખ કે તેનું મોત કેવી રીતે થયું તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. ફેબ્રુઆરીમાં અમેરિકન સરકારે હમઝાના ઠેકાણાની જાણકારી આપનારને 10 લાખ અમેરિકન ડોલર આપવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં હમઝાએ અમેરિકા અને અન્ય દેશો પર હુમલો કરવા માટે ઓડિયો ટેપ અને વીડિયો સંદેશ જાહેર કર્યા હતા. BBCના રિપોર્ટ પ્રમાણે હમઝાના મોતનો રિપોર્ટ સોપ્રથમ એનબીસી અને ન્યૂયોર્ક ટાઇમ્સે જાહેર કર્યો હતો.
ટ્રમ્પનો કંઈ કહેવાનો ઇન્કાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને પણ આ વિશે કંઈ જણાવ્યું ન હતું. રિપોર્ટ્સ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું કે, “હું આના અંગે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો.” એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે 2018 પછી હમઝા લાદેનને જવાબદાર ઠેરવી શકાય તેવું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
હમઝા બિન લાદેને પાકિસ્તાનમાં રહેલી અમેરિકાની વિશેષ ટુકડી દ્વારા પિતા ઓસામા બિન લાદેનની કરવામાં આવેલી હત્યાનો બદલો લેવા માટે જેહાદીઓને આહવાન કર્યું હતું. હમઝાએ આરબ દ્વીપકલ્પ પર રહેલા લોકોને વિદ્રોહ કરવા માટે પણ કહ્યું હતું. સાઉદી અરેબિયાએ માર્ચમાં હમઝાની નાગરિકતા રદ કરી નાખી હતી.
ઇરાનમાં નજરકેદ કરાયો
કહેવામાં આવી રહ્યું છે કે ઇરાનમાં હમઝાને નજરકેદ કરવામાં આવ્યો હતો. જોકે, અન્ય રિપોર્ટમાં માલુમ પડે છે કે તે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સીરિયામાં પણ રહી ચુક્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે વર્ષ 2011માં પાકિસ્તાનના એબેટાબાદમાં તેના પિતાના ઘર પર કરવામાં આવેલા દરોડામાં મળી આવેલા દસ્તાવેજોમાં માલુમ પડે છે કે હમઝા બિન લાદેનને અલ-કાયદાનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો.
અમેરિકાનો દાવો
અમેરિકન દળોને કથિત રીતે અલ-કાયદાના અન્ય એક વરિષ્ઠ નેતાની દીકરી સાથે હમઝાના લગ્નનો એક વીડિયો પણ મળ્યો હતો, આ વીડિયો ઈરાનનો હતો. હમઝાના નવા સસરા અહમદ અબ્દુલ્લા અથવા અબૂ મુહમ્મદ અલ-મસરી હતા. 1998માં તાન્ઝાનિયા અને કેન્યામાં અમેરિકન દૂતાવાસ પર કરવામાં આવેલા હુમલામાં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ કરવામાં આવેલા હુમલા પાછળ અલ-કાયદાનો હાથ હતો.