Pakistan: પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ખાંડની માંગ વધી, ભાવ આસમાને પહોંચ્યા
Pakistan: પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ખાંડના વપરાશમાં વધારો થવાને કારણે ખાંડની માંગ પણ વધી છે, જેના કારણે બજારોમાં કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. છૂટક બજારમાં ખાંડના ભાવ પાકિસ્તાની રૂપિયા ૧૮૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
Pakistan: પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે તાજેતરમાં ચેતવણી આપી હતી કે ખાંડના ભાવ ૧૬૪ રૂપિયા પ્રતિ કિલોથી વધુ ન હોવા જોઈએ. જોકે, છૂટક બજારોમાં ખાંડના ભાવ ૧૮૦ રૂપિયા સુધી વધી ગયા છે, જેના કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે.
અહેવાલ મુજબ, દેશમાં ખાંડનો સરેરાશ રાષ્ટ્રીય ભાવ ૧૬૪ રૂપિયાથી ૧૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામની વચ્ચે રહ્યો છે. વધુમાં, કરાચી હોલસેલર્સ ગ્રોસર્સ એસોસિએશન (KWGA) ના પ્રમુખ રૌફ ઇબ્રાહિમના જણાવ્યા અનુસાર, સરકારે ખાંડના સંગ્રહખોરો સામે કાર્યવાહી કર્યા પછી જથ્થાબંધ ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તેનાથી છૂટક વેપારીઓને કોઈ નોંધપાત્ર રાહત મળી નથી.
રૌફ ઇબ્રાહિમે જણાવ્યું હતું કે સરકાર ખાંડના ભાવ સ્થિર કરવામાં અને ગ્રાહકોને ૧૩૦ રૂપિયા પ્રતિ કિલોના ગેરંટીકૃત દરે ખાંડ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સરકાર ફક્ત ખાંડ મિલ માલિકોને દોષી ઠેરવી રહી છે જ્યારે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.