Pakistan: પંજાબમાં તાપમાનનો નવો રેકોર્ડ, ગરમી અને પાણીની કટોકટી વચ્ચે જનજીવન પર અસર
Pakistan: પાકિસ્તાનના પંજાબ પ્રાંત સહિતના વિસ્તારો હાલમાં ભારે હિટવેવની ઝપેટમાં છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. હવામાન વિભાગે આગામી ૪૮ થી ૭૨ કલાક સુધી ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે.
પંજાબના અનેક શહેરોમાં તાપમાન ઐતિહાસિક સ્તરે
મંગળવાર અને બુધવારે પંજાબના ભાકર, નુરપુર થલ, લૈયા, ગુજરાંવાલા, હાફિઝાબાદ અને મંડી બહાઉદ્દીન સહિતના વિસ્તારોમાં તાપમાન ૪૮°C થી ૪૯°C વચ્ચે નોંધાયું હતું. લાહોરમાં પણ તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે ગરમીનું મોજું ૧૩ જૂન સુધી યથાવત્ રહેવાની શક્યતા છે.
તીવ્ર ગરમીના કારણે આરોગ્ય પર અસર
ગરમીના વધતા પ્રકોપથી હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશન જેવા કેસોની સંખ્યા વધી રહી છે. બાળકો, વડીલો અને આરોગ્ય સમસ્યાઓથી પીડાતા લોકો સૌથી વધુ જોખમમાં હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
પંજાબ સરકારે જાહેર કરી સલાહ
પંજાબ સરકારે ગરમીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને જાહેર ચેતવણી જારી કરી છે. લોકોને અતિશય તાપમાન દરમિયાન ઘરની અંદર રહેવા, પૂરતું પાણી પીવા અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.
પાણીની અછત અને ખેતીને માર
વાતાવરણમાં વધતી ગરમીના કારણે સિંધુ નદીના પ્રવાહમાં ભારે ઘટાડો નોંધાયો છે. માંગલા અને તરબેલા જેવા મુખ્ય બંધોનો જળસ્તર ખતરનાક રીતે ઘટી ગયો છે. પાણીની અછતને કારણે ખરીફ પાકોની વાવણી ઠપ થઈ શકે છે, જેને લઈને ખેડૂત વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે.
પાકિસ્તાનમાં તીવ્ર ગરમીના લીધે પંજાબ સહિતના વિસ્તારોમાં જીવન મુશ્કેલ બન્યું છે. તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચતા જનજીવન અને કૃષિ બંનેને મોટું જોઝમ થયો છે. સરકાર અને હવામાન વિભાગ લોકોની સુરક્ષા માટે નિયમિત ચેતવણીઓ આપી રહ્યાં છે, અને આવશ્યક પગલાં ભરવા આહ્વાન કરી રહ્યાં છે.