ગ્લોબલ વોર્મિંગે આખી દુનિયાના તાપમાનમાં મોટું પરિવર્તન લાવી દીધું છે. યુરોપમાં હાલના દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. ફ્રાન્સની પણ આવી જ હાલત છે. એક તરફ, લોકો ઠંડીથી પરેશાન છે ત્યાં બીજી તરફ, પાક પર પણ ઝાકળનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલા માટે જ ફ્રાન્સના અનેક ખેડૂતો ઠંડીવિરોધી મીણબત્તીની ગરમીથી પાકને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તસવીર એવા જ એક ખેતરની છે. મીણબત્તીથી નીકળતી ગરમી પાક પર બરફને જામવા દેતી નથી અને એનાથી વૃક્ષો અને છોડવા બચી જાય છે. 6 લિટરની હોય છે આ એક ઠંડીવિરોધી મીણબત્તી. એને બનાવવા માટે કોઈ ઘાતક કેમિકલનો પ્રયોગ કરાતો નથી, પણ ફક્ત પેરાફિન વેક્સનો જ પ્રયોગ કરાય છે. એક હેક્ટરમાં 350થી 400 મીણબત્તીઓ લગાવાય છે. દરેક મીણબત્તી 25.5 મેગાજુલ પ્રતિ કલાક ઉષ્મા પેદા કરે છે.
