બાંગ્લાદેશમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં પ્રધાનમંત્રી શેખ હસીનાની પાર્ટી ભવ્ય વિજયની તરફ આગળ વધી રહ્યા છે. 300 સભ્યોની સંસદમાં સોમવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં 298 બેઠકોના પરિણામ આવ્યા. તેમાં 259 બેઠકો પર હસીનાની પાર્ટી અવામી લીગ જીતી છે. જ્યારે અવામી લીગની મુખ્ય સહાયક જાતિય પાર્ટીએ 20 બેઠક જીતી છે. ચૂંટણી સંબંધિત હિંસામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે, જ્યારે વિપક્ષીએ ગોબાચારી થઈ હોવાના આરોપ મૂક્યા છે અને નવેસરથી ચૂંટણી યોજવાની માંગ કરી છે.
મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને માત્ર બે જ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પંચે અત્યાર સુધીમા ગોપાલગંજ સિવાય કોઈ પણ પરિણામને સમર્થન આપ્યું નથી. ગોપાલગંજમા શેખ હસીનાને 2,29,539 વોટ મળ્યા છે જ્યારે તેમના હરીફ ઉમેદવારને માત્ર 123 વોટ મળ્યા છે. પરાજયને જોઈ બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષ એનયુએફ ગઠબંધને ચૂંટણી પરિણામોને ફગાવ્યા છે અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગ કરી છે.