IVF ટ્રીટમેન્ટની સફળતા પણ માણસના રંગ પર નિર્ભર કરે છે. આ દાવો નવા રિસર્ચમાં કરવામાં આવ્યો છે. હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રાયોલોજી ઓથોરિટીના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ગોરા લોકોની સરખામણીએ અશ્વેત લોકોમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ સફળ થવાની સંભાવના ઓછી હોય છે. રિસર્ચના અનુસાર, IVF દ્વારા 30થી 34 વર્ષના અશ્વેત દર્દીઓનો સરેરાશ બર્થ રેટ 23 ટકા હતો, જ્યારે શ્વેત દર્દીઓમાં આ આંકડો 30 ટકા હતો. સાઉથ એશિયાઈ દર્દીઓનો બર્થ રેટ 25 ટકા હતો. સંશોધકોએ 2014થી 2018 સુધી રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, 31 ટકા અશ્વેતોમાં પ્રજનન સાથે સંબંધિત સમસ્યા છે. તેનું કારણ ફેલોપિયન ટ્યુબમાં સમસ્યા હોઈ શકે છે. ગોરા અને અશ્વેતની વચ્ચે આટલો તફાવત કેમ છે, તેના પર સંશોધનકર્તા સેલી શેશાયર કહે છે કે, તેનો સચોટ જવાબ આપવો મુશ્કેલ છે પરંતુ બર્થ રેટ ઓછો હોવાનું કારણ આર્થિક તંગી અને શરીરમાં પહેલાથી રહેલી બીમારીઓ જેમ કે મેદસ્વિતા હોઈ શકે છે. તે સિવાય અશ્વેત દર્દીઓમાં ઉંમર વધવાની સાથે હૃદય રોગ થવાનું જોખમ વધારે રહે છે. આ પણ એક કારણ છે જે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી વધારે છે.
