જાપાનના વૈજ્ઞાનિકોના રિસર્ચ પ્રમાણે હાઈ ટેક ટોઈલેટ ખતરનાક બેક્ટેરિયા ‘સુપર બગ’નું ઘર બની શકે છે. સુપરબગ એવા બેક્ટેરિયા હોય છે જેના પર એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી. બેક્ટેરિયા ફેલાવાનું સૌથી વધારે જોખમ વૉટર જેટથી છે. તેનો ઉપયોગ મળ સાફ કરવા માટે થાય છે. જાપાનના આશરે 80% ઘરોમાં હાઈટેક ટોઈલેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય એશિયાના કેટલાક ભાગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ રિસર્ચ કરનાર ટોક્યો મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલનું કહેવું છે કે ટોઈલેટ વોટર જેટ પર મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા સ્યુડોમોનાસ એરુગિનોસા મળી આવ્યા છે. તે એટલા માટે ખતરનાક છે કારણ કે તેનાથી લોકોમાં સંક્રમણ ફેલાવાનું જોખમ વધે છે. સંશોધક ડૉ. ઈતારુ નકમુરા કહે છે કે, આ એવો રિપોર્ટ છે જે જણાવે છે કે હોસ્પિટલમાં સંક્રમણ રોકવા માટે હાઈટેક ટોઈલેટ પર પણ નજર રાખવાની જરૂરિયાત છે. જો વૉટર જેટથી સંક્રમણ ફેલાવાની શરૂઆત થાય તો સાફ-સફાઈની ગાઈડલાઈનમાં ફેરફાર કરવાની સાથે ટોઈલેટને ડિસઈન્ફેક્ટ પણ કરવું જોઈએ. આમ ન થાય તો દર્દી અને હેલ્થ કેર વર્કર્સમાં સંક્રમણ ફેલાઈ શકે છે. સપ્ટેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધી ટોક્યો મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલના હેમેટોલોજી વૉર્ડમાં ટોઈલેટના વોટર જેટ પર સંશોધકોને બેક્ટેરિયા મળ્યા. સંશોધકોની ટીમે ટોઈલેટમાંથી 6 વખત સેમ્પલ લીધા. આ ટોઈલેટ્સનો ઉપયોગ દર્દીઓ કરી રહ્યા હતા. તેમાંથી 2 દર્દી મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાના સંક્રમણથી પીડિત હતા. તો 2 દર્દી સેપ્સિસની ગંભીર સ્થિતિથી મુશ્કેલીમાં હતા. જિનેટિક ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજીની મદદથી એ જાણી શકાયું કે સંક્રમિત દર્દી અને પર્યાવરણમાં રહેલા મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા એક જ પ્રકારના છે કે કેમ.
