Russia: રશિયાએ તાલિબાન સરકારને આપી સત્તાવાર માન્યતા: પુતિનનો વ્યૂહાત્મક માસ્ટરસ્ટ્રોક પાકિસ્તાનને પડકારશે, ભારત માટે ખુલશે નવા રસ્તા
Russia: રશિયા તાલિબાન શાસનને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હોવાથી વિશ્વ મંચ પર એક મોટો ભૂરાજકીય પરિવર્તન નોંધાયું છે. આ પગલું માત્ર અફઘાનિસ્તાન માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.
તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી અને અફઘાનિસ્તાનમાં રશિયાના રાજદૂત દિમિત્રી ઝિર્નોવ વચ્ચે થયેલી બેઠક પછી આ જાહેરાત કરવામાં આવી હતી. મુત્તાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “રશિયાનો નિર્ણય અન્ય દેશો માટે એક દિશાસૂચક બની શકે છે.”
પુતિનનો કૂટનીતિભર્યો ‘માસ્ટરસ્ટ્રોક’
માનવામાં આવે છે કે રશિયાએ આ પગલું વિશ્વના પ્રાદેશિક પ્રભાવને, ખાસ કરીને અમેરિકાને પડકારવા માટે ભર્યું છે. રશિયાના આ નિર્ણયની પાકિસ્તાન પર પણ મોટી વ્યૂહાત્મક અસર પડી શકે છે, જે લાંબા સમયથી તાલિબાનનું ખુલ્લેઆમ સમર્થક રહ્યું છે પરંતુ હજુ સુધી તેને સત્તાવાર રીતે માન્યતા આપી નથી.
રશિયાના અફઘાનિસ્તાન માટેના ખાસ દૂત ઝમીર કાબુલોવે પણ રશિયન રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી સાથેની મુલાકાતમાં આ માન્યતાની પુષ્ટિ કરી હતી.
પાકિસ્તાન માટે ધક્કાદાયક સમાચાર
આ નિર્ણયને પાકિસ્તાન માટે નક્કર ફટકો માનવામાં આવી રહ્યો છે. તાલિબાન સાથે સંબંધો હોવા છતાં પાકિસ્તાને હજી સુધી તેને માન્યતા આપી નથી. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના મુદ્દે બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. નવી પરિસ્થિતિમાં અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનને બાયપાસ કરીને સીધા રશિયા અને અન્ય દેશો સાથે સંબંધો મજબૂત કરી શકે છે.
ભારત માટે તકોની સફર
રશિયા સાથે ભારતની ગાઢ દોસ્તી હવે અફઘાનિસ્તાનમાં નવા માર્ગો ખોલી શકે છે. 2021 પછી ભારત અને તાલિબાન વચ્ચે ધીમે ધીમે સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે. થોડા સમય પહેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ તાલિબાન નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
રશિયાનું આ પગલું તાલિબાનને આંતરરાષ્ટ્રીય કાયદેસરતા તરફ લઇ જશે અને ભારતને અફઘાનિસ્તાનમાં માળખાકીય વિકાસ, તૈનાતી અને વ્યાપાર માટે નવી તકો આપશે.
વૈશ્વિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા થવા લાગ્યા છે
રશિયાએ જે પગલું લીધું છે તે માત્ર તાલિબાન માટે એક માન્યતા નથી, પરંતુ એ એક મજબૂત રાજકીય સંદેશ છે – ખાસ કરીને અમેરિકા અને તેના સહયોગીઓને. હવે જોવું રહ્યું કે અન્ય દેશો કેવી રીતે પ્રતિસાદ આપે છે અને શું ચીન, ઈરાન, તુર્કી જેવા દેશો પણ રશિયાની પાંખે ચાલશે કે નહીં.