ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડિલ અંગે સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસે સંપૂર્ણ જાણકારી માંગી છે. ડિલ અંગે દાખલ કરવામાં આવેલી રીટ પીટીશન અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે સરકાર બતાવે કે કેવી રીતે ડિલ ફાઈનલ કરવામાં આવી છે. હવે પછી આ કેસની સુનાવણી આ મહિનાના અંતિમે થશે. રાફેલ ડિલ અંગે કોર્ટમાં દાખલ થયેલી રીટ પીટીશનમાં અરજ ગુજારવામાં આવી છે કે સરકાર રાફેલની પ્રાઈઝનો ખુલાસો કરે. રાફેલ પર સુનાવણી કરતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ જોસેફે કહ્યું કે રાફેલ ડિલ અંગે મોદી સરકારે કોર્ટને બતાવવું જોઈએ કે ડિલની પ્રક્રીયા શું હતી.
સુપ્રીમ કોર્ટે મોદી સરકારને બે સપ્તાહનો સમય આપી કહ્યું કે 29મી ઓક્ટોબર સુધીમાં ડિલ અંગે થયેલી તમામ પ્રક્રીયાની જાણકારી કોર્ટમાં રજૂ કરવામાં આવે. 31મી ઓક્ટબરે વધુ સુનાવણી કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે સરકાર પાસે રાફેલ વિમાનની ટેકનિક્લ અથવા તો તેની પ્રાઈઝની માહીતી માંગવામાં આવી રહી નથી. જોકે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોઈ નોટીસ કે આદેશ આપ્યો નથી. તમામ જાણકારી સીલબંઘ કવરમાં આપવાનું કહેવામાં આવ્યું છે.
ચીફ જસ્ટીસે એટોર્ની જનરલને કહ્યું કે રાફેલ ડિલ અંગે વિગતો કોર્ટમાં પહોંચતી કરવામાં આવે. આ આદેશ એટલા માટે કરવામાં આવ્યો છે કે રાફેલ ડિલ ફાઈનલ કરવામાં જરૂરી તમામ પ્રક્રીયાનું પાલન કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે પાછલા લાંબા સમયથી રાહુલ ગાંધી સહિત વિપક્ષો રાફેલ ડિલને લઈ મોદી સરકારને ઘેરતા આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે રિલાયન્સના અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડનો સૌદો રદ્દ કરી દેવામા આવ્યો છે.
આ મામલાનો વિવાદ ત્યારે વધુ ઘેરાયો જ્યારે ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રિલાયન્સને પાર્ટનર બનાવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ હતો નહી. ભારત સરકારે રિલાયન્સનો જ એક માત્ર વિકલ્પ આપ્યો હતો. રાફેલ બનાવનારી કંપની ધ સોલ્ટ પાસે રિલાયન્સને પાર્ટનર બનાવવા સિવાય કોઈ ઓપ્શન હતો નહી.