સ્પેનમાં ગ્લોરિયા તોફાને ભારે તબાહી મચાવી છે થોડા દિવસો અગાઉ જ કુદરતી આપત્તિનો સામનો કરી ચૂકેલા યુરોપમાં ફરી એક વખત તોફાન આવ્યું છે જેના કારણે સ્પેનના લોકોને એક સાથે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગ્લોરિયા તોફાનના કારણે અલગ અલગ 9 વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. સાથે જ પૂર્વ કાંઠાના વિસ્તારમાં 100 કિલોમીટરની ઝડપે ફૂંકાઇ રહેલા પવનના કારણે ભારે વરસાદ ચાલું છે. છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસતા 6 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં જ 18 સેમીથી વધારે વરસાદ પડી ચુક્યો છે.પૂરના કારણે દેશની સૌથી લાંબી નદી એબ્રોનું પાણી ખેતરોમાં પહોંચી ગયું છે
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે 4 લોકો હજુ પણ ગુમ છે. ભારે પવનના કારણે ઘણી જગ્યાઓ પર લહેરોએ ઘર અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું છે. બૈલેરિએક આઈલેન્ડ પાસે આવેલા આઈબિયામાં સમુદ્રની લહેરો 46 ફુટ ઊંચા ઉછળ્યા હતા, સાથે જ બાર્સિલોનાના કાંઠા પર 50 ફુટ ઊંચી લહેરો ઉઠી હતી. તોફાનના કારણે સૌથી વધારે નુકસાન બાર્સિલોનાને થયું છે, અહીંયા લહેરો 3 કિમી અંદર સુધી આવી હતી. જેનાથી 30 ચો કિમીમાં વિસ્તરેલા ખેતરોને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે
બીજી બાજુ દેશનો એક ભાગ ભારે હિમવર્ષાને કારણે હાલાકીનો સામનો કરી રહ્યો છે. હવે પરિસ્થિતિ એવી બની છે કે સ્પેનના લગભગ 2600 કિમી રસ્તાઓ બરફથી ઢંકાયેલા છે. જેનાથી દેશભરમાં વાહનવ્યવહાર ઠપ થયો છે. મ્યૂર્સિયામાં 8 ઈંચ હિમવર્ષા થઈ ચુકી છે. ખરાબ હવામાનના કારણે એલિકેન્ટ એલ્ચ એરપોર્ટ બંધ થવાથી 200થી વધારે ફ્લાઈટ રદ કરવી પડી છે. વરસાદ અને પૂરના કારણે ગિરોનામાં 2 લાખથી વધારે લોકો વીજળી વિના રહેવા મજબૂર બન્યા છે. હવે આ તોફાન ફ્રાન્સ તરફ વધી રહ્યું છે. સ્પેનના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વોત્તરમાં આવેલા કૈટેલોનિયા અને બૈલિરિએક દ્વીપને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.