કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં કેસ અને મૃત્યુઆંકમાં ઘણો વધારો થયો હતો. દેશમાં ઠેર-ઠેર કોરોના મહામારીના પ્રકોપ ઘટાડવા માટે પૂજા વિધિ કરવામા આવી હતી. આ દરમિયાન યુપીના પ્રતાપગઢના એક ગામમાં તો ગામવાસીઓએ કોરોનાનું જ મંદિર બનાવી પૂજા વિધિ શરૂ કરી દીધી છે.અહીં ગામવાસીઓએ ‘કોરોના માતા’નું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં લખ્યું છે કે,‘માસ્ક પહેરો, હાથ ધુઓ અને દૂરથી જ દર્શન કરો…’ ગામવાસીઓના મતે ‘કોરોના માતા’ના મંદિરે પૂજા કરવાને કારણે તેઓ આ મહામારીથી બચી જશે. નવાઈની વાત તો એ છે કે, માત્ર ગામવાસીઓ જ નહિં પરંતુ આસપાસના ગામ સહિત દૂરના વિસ્તારમાંથી પણ લોકો કોરોના માતાના મંદિરે દર્શન માટે આવી રહ્યાં છે.ગામમાં 3 લોકોના કોરોનાથી મોત થયા બાદ ઘણા લોકો સંક્રમિત પણ થયા હતા, જેને કારણે ભયભીત ગામવાસીઓએ દવાની સાથે આસ્થાને સહારે કોરોનાને હરાવવાનો નિર્ણય લીધો છે. જોકે આ મામલે તંત્ર કે પોલીસ દ્વારા હજુ કોઈ પગલા લેવાયા નથી.
