USA Pakistan Relations: અમેરિકા પાકિસ્તાન તરફ કેમ વળ્યું? જનરલ મુનીર સાથેના ‘ડીલ’નો ખુલાસો
USA Pakistan Relations: અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. હમણાં જ અમેરિકાના ભૂતપૂર્વ CIA અધિકારી જોન કિરિયાકોઉ દ્વારા એક એવો દાવો કરવામાં આવ્યો છે, જે સમગ્ર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી શકે છે. કિરિયાકોઉના જણાવ્યા મુજબ, “પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગાર પર કમાન્ડ અને નિયંત્રણ હવે એક અમેરિકન જનરલના હાથમાં છે.”
અમેરિકાનો પાકિસ્તાન પ્રત્યે અચાનક પ્રેમ – શું આ કોઈ મોટી રણનીતિનો ભાગ છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપીને લંચ પર આમંત્રિત કર્યા હતા. આમ તો અમેરિકાના રાજકારણમાં આ પ્રકારના આમંત્રણો પાછળ હંમેશા કઈંક વ્યૂહરચના છૂપાયેલી હોય છે, પણ આ વખતે જુદા જુદા સ્તરે ત્રણ મોટા ખુલાસાઓ સામે આવ્યા છે:
- ઈરાન વિરુદ્ધ લશ્કરી હલચલ માટે પાકિસ્તાનના એરબેઝ અને હવાઈ માર્ગોની માંગ.
- પાકિસ્તાનમાં ટ્રમ્પના પરિવારના ક્રિપ્ટોકરન્સી વેન્ચર માટે સોદો અને સહયોગ.
- પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગાર પર અમેરિકન કમાન્ડનો દાવો.
આ ઘટનાઓના તાર એકબીજા સાથે સંકળાયેલા દેખાય છે. વિશ્લેષકો માને છે કે આ વ્યૂહરચનાઓ પાકિસ્તાનને નિકટ રાખવા અને દક્ષિણ એશિયામાં પોતાના પ્રભાવને મજબૂત કરવા માટેના પ્રયાસો છે.
⚡ BIG: Former CIA Officer John Kirkakou says, “Pakistan’s Nuclear arsenal command and control comes under the command of an American General” pic.twitter.com/jrBhnyBqIc
— OSINT Updates (@OsintUpdates) July 4, 2025
ઓપરેશન સિંદૂર અને અમેરિકાની તાતી તણાવ ઘટાડવાની કોશિશ
જ્યારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ “ઓપરેશન સિંદૂર” ચલાવ્યું, ત્યારે અમેરિકાએ તરત યુદ્ધવિરામ માટે દબાણ વધાર્યું હતું. હવે જો આ દાવો સાચો છે કે પાકિસ્તાનના પરમાણુ બેસનો પર અમેરિકાનું નિયંત્રણ છે, તો સ્વાભાવિક છે કે કોઈપણ હુમલો માત્ર પાકિસ્તાન માટે નહીં, પરંતુ અમેરિકાની વ્યૂહરચનાત્મક સ્થિતિ માટે પણ ખતરો બની શકે.
આંતરરાષ્ટ્રીય સંજોગોમાં ભારત માટે પડકારો
ભારત માટે આ ઘટના એક નવું ચિંતાજનક સંકેત આપી શકે છે. એક તરફ ભારત પાકિસ્તાનના આતંકવાદને દુનિયામાં ઊજાગર કરવા માટે પ્રયત્નશીલ છે, તો બીજી તરફ અમેરિકાનો પાકિસ્તાન તરફ ઝુકાવ ભારતની નીતિઓ સામે પડકાર ઉભો કરી શકે છે.