કોરોના સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી મનુષ્યને વેક્સિન આપવામાં આવી રહી હતી પરંતુ હવે પ્રાણીઓને પણ વેક્સિન આપવાનું ચાલુ થઈ ગયું છે. અમેરિકાના એક ઝૂમાં પ્રાણીઓને કોરોનાથી બચાવવા માટે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલા બે એરિયા સ્થિત ઓકલેન્ડ ઝૂમાં પ્રાણીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. હાલ અહીં રીંછ અને વાઘને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ ટાઈગર જિંજર અને મોલી પહેલા એવા 2 જાનવર છે જેમને વેક્સિન આપવામાં આવી છે.પ્રાણીઓ માટેની આ વેક્સિન ન્યૂ જર્સી સ્થિત એનિમલ હેલ્થ કંપની Zoetis દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓકલેન્ડ ઝૂએ ટ્વીટમાં લખ્યું હતું કે, Zoetis તરફથી જાનવરોને વેક્સિનેટ કરવા માટે 11,000 ડોઝ ડોનેટ કરવામાં આવ્યા છે. આ વેક્સિન 27 રાજ્યોના આશરે 70 ઝૂમાં મોકલવામાં આવશે. શરૂઆતમાં વાઘ, રીંછ, ગ્રિજલી બિયર, પહાડી સિંહ અને ફૈરેટ્સ (નોળિયાની એક જાત)ને આ વેક્સિન આપવામાં આવશે.
