જ્યારે કોઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તે પોતાના બોસ અને કંપની વિશે ખરાબ જ બોલે છે. પરંતુ કેટલાક લોકોનો ગુસ્સો એટલો ખરાબ હોય છે કે તેઓને નોકરીમાંથી ફાયર કરવામાં આવે તો તેઓ અપમાન સહન નથી કરી શકતા અને કંપની અથવા પોતાના બોસની સાથે બદલો લેવાનો પ્રયાસ કરે છે. અમેરિકામાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિને વોલમાર્ટે નોકરીમાંથી બરતરફ કરવામાં આવતા તેને ગુસ્સામાં આવીને સ્ટોરની અંદર ગાડી ઘૂસાડી દીધી અને તોડફોડ શરૂ કરી દીધી. આ ઘટના ઉત્તર કેરોલિનાના કોનકોર્ડમાં આવેલા એક વોલમાર્ટ સ્ટોરની છે. જ્યાં 32 વર્ષના આરોપી જેન્ટ્રીએ ગુસ્સામાં ગેટ તોડીને પોતાની કાર સીધી સ્ટોરમાં ઘૂસાડી દીધી અને બધુ તહેસનહેસ કરવા લાગ્યો. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ જેન્ટ્રી ગુસ્સામાં હતો અને તે બદલો લેવા માગતો હતો. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ જેન્ટ્રી બીજા દિવસે સવારે પોતાની કારને સ્ટોર પર લઈ ગયો અને તેનો ગેટ તોડીને સીધો અંદર ઘૂસી ગયો અને તોડફોડ કરવા લાગ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેની ધરપકડ કરી. કોનકોર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપતા તસવીર પણ શેર કરી.
