સુરત બિગ બ્રેકિંગ: SOGનો માસ્ટરસ્ટ્રોક, ₹5.85 કરોડના પ્રતિબંધિત ‘કોબ્રા વેનોમ’ સાથે 7 શખ્સો ઝડપાયા
ગુજરાતના ઇતિહાસમાં વન્યજીવ તસ્કરીનો અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેર (Venom) ની તસ્કરી કરતા આંતરરાજ્ય રેકેટને ઝડપી પાડી પોલીસે ₹5.85 કરોડની કિંમતનું ઝેર જપ્ત કર્યું છે. આ કાર્યવાહીમાં વકીલ અને નિવૃત્ત અધિકારી સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નકલી ગ્રાહક બની પોલીસે ગોઠવી જાળ
સુરત SOGને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટોળકી કરોડો રૂપિયાનું સાપનું ઝેર વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. આ માહિતીના આધારે પોલીસે એક પ્લાન તૈયાર કર્યો હતો:
- SOGના અધિકારીઓએ નકલી ગ્રાહક બની ટોળકીનો સંપર્ક કર્યો.
- ઝેર ખરીદવા માટે કરોડો રૂપિયાની ઓફર આપી લાલચ આપી હતી.
- ડીલ નક્કી કરવા માટે સરથાણા જકાતનાકા પાસે આવેલા ‘પટેલ લાઈફ પાર્ટનર’ મેરેજ બ્યુરોની ઓફિસમાં મીટિંગ ગોઠવવામાં આવી હતી.
જેવી આ ટોળકી ઝેરનો સોદો કરવા એકઠી થઈ, વેશપલટો કરીને બેઠેલી પોલીસે દરોડો પાડી સાતેય શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓની વિગત
પોલીસે સ્થળ પરથી નીચે મુજબના 7 આરોપીઓની ધરપકડ કરી છે:
- મનસુખ અંબાભાઈ ધિનૈયા (મેરેજ બ્યુરો સંચાલક)
- ચીમન છગન ભુવા
- સમીર જયંતિલાલ પંચાલ
- પ્રવીણ કાંતિલાલ શાહ
- કેતન ચિત્રંજનભાઇ શાહ (વકીલ)
- મકરંદ શ્રીકાંત કુલકર્ણી
- પ્રશાંત રાજેશ શાહ
આરોપીઓ પાસેથી 6.5 મિલી (ml) કોબ્રા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 ml ઝેરની કિંમત અંદાજે ₹90 લાખ ગણાય છે, તે મુજબ કુલ જથ્થાની કિંમત ₹5.85 કરોડ આંકવામાં આવી છે.
શા માટે છે આટલું કિંમતી? (વેનોમનો ઉપયોગ)
સાપનું ઝેર અત્યંત ઘાતક હોવા છતાં તેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે:
- દવામાં ઉપયોગ: બ્લડ પ્રેશર, લોહી ગંઠાવવાની સમસ્યા, હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓની દવા બનાવવા.
- એન્ટી-વેનમ: સાપ કરડ્યા પછી અપાતી જીવનરક્ષક રસી બનાવવા.નશો (રેવ પાર્ટી): ચોંકાવનારી વિગત એ છે કે
- હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ‘સ્નેક બાઈટ’ લેવામાં આવે છે, જેના કારણે આ ઝેરની ગેરકાયદેસર માંગ ખૂબ વધી ગઈ છે.
મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઝેર અમદાવાદના એક ઘનશ્યામ સોની નામના શખ્સ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. હાલ સુરત SOG એ આ મામલે વધુ તપાસ તેજ કરી છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની વિગતો મેળવી રહી છે.

