સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર: ૮મા પગાર પંચની ભલામણો અને ફિટમેન્ટ ફેક્ટરનું સંપૂર્ણ ગણિત
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી ૮મા પગાર પંચની ભલામણો અને તે સંબંધિત અપડેટ્સની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે હવે ૮મા પગાર પંચની કામગીરી ઝડપી બની રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. ચાલુ ચર્ચાઓ વચ્ચે ટૂંક સમયમાં જ સરકારી કર્મચારીઓના વેતન માળખામાં મોટો સુધારો જોવા મળી શકે છે. કમિશન હવે સરકારી કર્મચારી મંડળો અને પેન્શનર એસોસિએશનો સાથે સીધો સંવાદ શરૂ કરવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ ૩૧ ઓગસ્ટથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન જયપુર, ચેન્નાઈ અને પુડુચેરી જેવા શહેરોમાં વિવિધ સંગઠનો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. કમિશન મે ૨૦૨૭ સુધીમાં પોતાનો આખરી અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરે તેવી શક્યતા છે. આ તમામ પ્રક્રિયા વચ્ચે અત્યારે કર્મચારીઓનું મુખ્ય ધ્યાન ‘ફિટમેન્ટ ફેક્ટર’ પર કેન્દ્રિત થયેલું છે.
ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તેનું મહત્વ કેમ વધારે છે?
નવા પગાર પંચની રચના થાય ત્યારે કર્મચારીઓનો નવો મૂળ પગાર (Basic Pay) નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર એ સૌથી મહત્વનો ગુણક (Multiplier) માનવામાં આવે છે. વર્તમાન બેઝિક પે ને આ ફિટમેન્ટ ફેક્ટર વડે ગુણીને નવો મિનિમમ બેઝિક પે નક્કી કરવામાં આવે છે. નોંધનીય છે કે ૭મા પગાર પંચમાં ૨.૫૭ નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો.
આગામી ૮મા પગાર પંચ માટે વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ૩.૬૮ થી લઈને ૪.૦ સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી રહી છે. નેશનલ કાઉન્સિલ-જેસીએમ (JCM) દ્વારા ૩.૮૩૩ ના ફિટમેન્ટ ફેક્ટરની રજૂઆત કરાઈ છે, જ્યારે ભારતીય રક્ષા મઝદૂર સંઘે ૪.૦ ના ફિટમેન્ટ ફેક્ટરની પ્રબળ માંગ કરી છે. જોકે, વિવિધ સૂત્રો અને આર્થિક વિશ્લેષણ મુજબ સરકાર ૮મા પગાર પંચમાં ૨.૦ થી ૨.૫૦ ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સંભવિત પગાર વધારાનું ગણિત
જો સરકાર ૨.૦ થી ૨.૫૭ ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે, તો કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. ઉદાહરણ તરીકે, ૭મા પગાર પંચ હેઠળ લેવલ ૫ માં આવતા કર્મચારીનો હાલનો મૂળ પગાર ₹૨૯,૨૦૦ છે. અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરના આધારે તેમનો નવો બેઝિક પે આ મુજબ બની શકે છે:
જો ફિટમેન્ટ ફેક્ટર ૨.૦ રાખવામાં આવે, તો નવો મૂળ પગાર રૂ. ૫૮,૪૦૦ થઈ જશે.
જો ફિટમેન્ટ ફેક્ટર ૨.૧ નક્કી થાય, તો મૂળ પગાર વધીને રૂ. ૬૧,૩૨૦ થશે.
જો ફિટમેન્ટ ફેક્ટર ૨.૨૫ મંજૂર થાય, તો બેઝિક પે રૂ. ૬૫,૭૦૦ સુધી પહોંચશે.
અને જો ૭મા પગાર પંચની જેમ ૨.૫૭ નો ફિટમેન્ટ ફેક્ટર જાળવી રાખવામાં આવે, તો નવો મૂળ પગાર રૂ. ૭૫,૦૪૪ થઈ જશે.
આ ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં થતો સામાન્ય વધારો પણ કર્મચારીઓના હાથમાં આવતા માસિક વેતનમાં મોટો તફાવત લાવી શકે છે.
કેન્દ્રીય કેડરના કયા હોદ્દાઓને થશે સીધો ફાયદો?
કેન્દ્રીય વહીવટી માળખામાં લેવલ ૫ થી લેવલ ૮ સુધીના કર્મચારીઓ અત્યંત મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળે છે. આ સ્તરમાં સિનિયર ક્લાર્ક, જુનિયર એન્જિનિયર (JE), ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સેક્શન ઓફિસર, ઇન્સ્પેક્ટર અને સિનિયર સુપરવાઇઝર જેવા પદોનો સમાવેશ થાય છે. આ તમામ હોદ્દાઓ પર કાર્યરત લાખો કર્મચારીઓને નવા ફિટમેન્ટ ફેક્ટરથી સીધો અને મોટો આર્થિક લાભ મળશે.
જોકે, આખરી ફિટમેન્ટ ફેક્ટર અંગેનો આખરી નિર્ણય કમિશનની ભલામણો અને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી બાદ જ સ્પષ્ટ થશે. છતાં, વર્તમાન સમયમાં થઈ રહેલી પ્રક્રિયાથી કર્મચારી આલમમાં આશાનો નવો સંચાર થયો છે.
