વૈભવ સૂર્યવંશી હવે ફરી U-19 વર્લ્ડ કપમાં નહીં દેખાય 2028ની આવૃત્તિમાં નહીં મળી શકે તક, આ છે મુખ્ય કારણ
ICC U-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય અંડર-19 ટીમે શાનદાર પ્રદર્શન કરી છઠ્ઠી વખત ટ્રોફી પર કબ્જો કર્યો. આયુષ મ્હાત્રેની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને ફાઇનલમાં 100 રને હરાવી ઇતિહાસ રચ્યો. આ વિજયમાં સૌથી મોટું યોગદાન આપનાર ખેલાડી તરીકે વૈભવ સૂર્યવંશીનું નામ સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયું.
ફાઇનલ મેચમાં માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ 175 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, જેના આધારે ભારતે 50 ઓવરમાં 411 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. તેની આ વિસ્ફોટક બેટિંગ સામે ઇંગ્લેન્ડના બોલરો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.
બે મોટા એવોર્ડ જીતનાર સુપરસ્ટાર
વૈભવ સૂર્યવંશીની આ યાદગાર ઇનિંગ્સ માટે તેને ફાઇનલનો પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ ઉપરાંત, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સતત શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો.આ સાથે જ વૈભવ U-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં એવો પહેલો ખેલાડી બન્યો, જેણે ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ અને સમગ્ર ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બંને એવોર્ડ જીત્યા.
છતાં પણ 2028 U-19 વર્લ્ડ કપમાં નહીં રમે વૈભવ
આટલું અદભૂત પ્રદર્શન કર્યા બાદ પણ ક્રિકેટ ચાહકો માટે એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. વૈભવ સૂર્યવંશી હવે આગામી U-19 વર્લ્ડ કપ 2028માં રમતા જોવા નહીં મળે.આ નિર્ણય પાછળનું કારણ તેની ઉંમર નથી, પરંતુ BCCIનો એક મહત્વપૂર્ણ નિયમ છે.
BCCIનો નિયમ: એક જ વાર U-19 વર્લ્ડ કપ રમવાની મંજૂરી
વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો છે. આ રીતે જો જોવામાં આવે તો 2028માં યોજાનારા U-19 વર્લ્ડ કપ દરમિયાન તેની ઉંમર લગભગ 16–17 વર્ષની રહેશે, એટલે કે તે ઉંમર માપદંડને પૂર્ણ કરે છે.
પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા વર્ષ 2016માં એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ અનુસાર:
જે ખેલાડી એક વખત ભારત તરફથી U-19 વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યો હોય, તે ફરીથી આ ટૂર્નામેન્ટ માટે પસંદગી પામતો નથી, ભલે તે ઉંમર પાત્રતા ધરાવતો હોય.
BCCIની વર્કિંગ કમિટીએ આ નિયમ અમલમાં લાવ્યો હતો, જેથી ઓવરએજ ખેલાડીઓની સમસ્યા દૂર કરી શકાય અને વધુ યુવા ખેલાડીઓને તક મળી શકે.
આ નિયમના કારણે હવે વૈભવ સૂર્યવંશી 2028ની આવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.
આંકડાઓમાં વૈભવનું પ્રભુત્વ
ICC U-19 વર્લ્ડ કપ 2026 દરમિયાન વૈભવ સૂર્યવંશીએ 7 મેચોમાં કુલ 439 રન બનાવ્યા. તેની સરેરાશ 62.71 રહી, જે યુવા ક્રિકેટમાં અસાધારણ માનવામાં આવે છે. આ દરમિયાન તેણે 41 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા.
ટૂર્નામેન્ટમાં તેની બેટમાંથી 3 અર્ધસદી અને 1 શાનદાર સદી પણ નીકળી, જે તેની સ્થિરતા અને આક્રમકતા બંને દર્શાવે છે.
હવે નજર IPL પર
હવે ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ છે કે વૈભવ સૂર્યવંશી હવે આગળ કયા ટૂર્નામેન્ટમાં જોવા મળશે. તો તમને જણાવી દઈએ કે વૈભવ હવે IPL 2026માં રમતો જોવા મળશે.વૈભવ સૂર્યવંશી IPL 2026 સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ છે. આ પ્લેટફોર્મ તેના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને સાબિત કરવાની એક મોટી તક રહેશે.
ભારતીય ક્રિકેટનું ભવિષ્ય
U-19 વર્લ્ડ કપમાં જે રીતે વૈભવે દબાણમાં પણ નિર્ભય બેટિંગ કરી, તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ક્રિકેટને એક અસાધારણ પ્રતિભા મળી છે. ભલે તે ફરી U-19 વર્લ્ડ કપમાં ન દેખાય, પરંતુ તેનું ભવિષ્ય સિનિયર ક્રિકેટ અને IPLમાં ખૂબ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.

