કુઆલાલંપુરમાં PM મોદીનું સંબોધન: ભારતીય પ્રવાસીઓ સમક્ષ રાખ્યું ‘નવા ભારત’નું વિઝન
મલેશિયાના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની કુઆલાલંપુરમાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધિત કરતા ભારતની છેલ્લા એક દાયકાની પ્રગતિનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. પોતાના ભાષણમાં તેમણે આર્થિક મજબૂતી, ટેકનોલોજીકલ વિકાસ, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને ડિજિટલ ક્રાંતિને ભારતની મોટી સિદ્ધિઓ તરીકે રજૂ કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા ૧૦–૧૧ વર્ષમાં ભારતે વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ સંપૂર્ણપણે બદલી નાખી છે. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ ૨૦૧૪ની આસપાસ ભારત આર્થિક રીતે ૧૧માં સ્થાને હતું, જ્યારે આજે દેશ વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારતની મોટી છલાંગ
PM મોદીએ જણાવ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલની શરૂઆત સમયે ભારતમાં ઉત્પાદન ક્ષેત્ર (Manufacturing) પ્રારંભિક તબક્કે હતું, પરંતુ આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા દેશ બની ગયો છે. આ ફેરફાર માત્ર રોકાણનો સંકેત નથી, પરંતુ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ લાવ્યો છે.
સંરક્ષણ નિકાસ અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં રેકોર્ડ ગ્રોથ
પોતાના સંબોધનમાં વડાપ્રધાને સંરક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ૨૦૧૪ પછી ભારતના સંરક્ષણ નિકાસમાં (Defense Export) અંદાજે ૩૦ ગણો વધારો થયો છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. આ સાથે જ ભારત આજે વિશ્વના ટોચના ત્રણ સ્ટાર્ટઅપ હબમાં સામેલ થઈ ચૂક્યું છે.
#WATCH | Kuala Lumpur, Malaysia | Addressing the Indian diaspora, Prime Minister Narendra Modi says, “When we met in 2015, I spoke to you about India’s potential. Now, I speak to you about India’s performance in one decade… We were then the 11th-largest economy in the world.… pic.twitter.com/dxHEpMj1N1
— ANI (@ANI) February 7, 2026
UPI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ભારતની તાકાત
ડિજિટલ ઇન્ડિયાની સફળતાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે ભારતે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. આજે વૈશ્વિક સ્તરે થતા રિયલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો મોટો હિસ્સો ભારતમાં થાય છે, જેમાં UPI ની મુખ્ય ભૂમિકા છે.
૨૦૪૭ સુધી વિકસિત ભારતનો લક્ષ્યાંક
PM મોદીએ કહ્યું કે દેશની ૧.૪ અબજ વસ્તી એક સમાન લક્ષ્ય સાથે આગળ વધી રહી છે — ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું. તેમણે પ્રવાસી ભારતીયોને આ યાત્રાના મહત્વના સાથી ગણાવતા કહ્યું કે ભારત સાથેનો લગાવ માત્ર જન્મસ્થળથી નથી, પણ દિલથી હોય છે.
વડાપ્રધાને તેમના ભાષણમાં ભારત દ્વારા તાજેતરના વર્ષોમાં કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય વેપાર કરારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે ભારત સાથે વેપાર કરવા બાબતે વિશ્વભરમાં વિશ્વાસ વધ્યો છે. PM મોદીના સંબોધન દરમિયાન કાર્યક્રમ સ્થળે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
