Kutch ભુજ: કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના હેતુથી આજે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ એચ. વરચંદ દ્વારા આગામી ટર્મ માટે નવી ટીમની વરણી કરવામાં આવી છે. આ નવી યાદીમાં અનુભવી નેતાઓની સાથે ઉત્સાહી યુવા કાર્યકરો અને મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપીને પક્ષે તમામ સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે.
સંગઠનમાં સૌથી મહત્વના ગણાતા મહામંત્રી તરીકે ધવલભાઈ આચાર્ય (ગાંધીધામ), હિતેશભાઈ ખંડોર (ભુજ તાલુકો) અને ભીમજીભાઈ જોધાણી (ભુજ તાલુકો) ની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ ભૌગોલિક વિસ્તારોને આવરી લેતા આઠ જેટલા ઉપપ્રમુખોની વરણી કરાઈ છે, જેમાં મશરૂભાઈ રબારી, અશોકભાઈ હાથી અને પ્રફુલસિંહ જાડેજા જેવા નામોનો સમાવેશ થાય છે. પક્ષના આંતરિક વહીવટ માટે કોષાધ્યક્ષ તરીકે સુરેશભાઈ ટાંક અને કાર્યાલય મંત્રી તરીકે હરેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
પાર્ટીના વિવિધ મોરચાઓમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. યુવા મોરચાની કમાન રામભાઈ ગીલવાને સોંપવામાં આવી છે, જ્યારે મહિલા મોરચાના પ્રમુખ તરીકે પારુલબેન કારાની વરણી કરાઈ છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કિસાન મોરચામાં હિતેશભાઈ પાંચાણી અને બક્ષીપંચ મોરચામાં હિતેશભાઈ ગોસ્વામીને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા વિભાગમાં પણ નિષ્ણાત કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, જે આગામી સમયમાં પક્ષની વિચારધારા અને સરકારની કામગીરીને ડિજિટલ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડશે.


આ નવી ટીમની જાહેરાત થતા જ કચ્છ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષના વિશ્વાસ પર ખરા ઉતરીને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા અને સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા માટે કટિબદ્ધ રહેશે. આગામી દિવસોમાં આ નવી ટીમ દ્વારા જિલ્લામાં વિવિધ જનસંપર્ક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે