T20 વર્લ્ડ કપ 2026: હળવાશથી ન લો! એસોસિએટ ટીમો બતાવી રહી છે પોતાની તાકાત
T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ ચૂકી છે અને ટૂર્નામેન્ટના શરૂઆતના ચાર દિવસમાં જ અનેક રોમાંચક મુકાબલા જોવા મળ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્લ્ડ કપમાં એસોસિએટ ટીમોએ પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. હવે આ ટીમોને માત્ર “ભાગ લેનાર” તરીકે નહીં, પરંતુ “ટક્કર આપનાર” તરીકે જોવામાં આવી રહી છે.
પરિસ્થિતિ બદલાઈ ગઈ છે
એક સમય હતો જ્યારે સ્કોટલેન્ડ, નેધરલેન્ડ્સ, ઓમાન, નેપાળ અને UAE જેવી ટીમો વર્લ્ડ કપમાં માત્ર અનુભવ મેળવવા અને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉતરતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
T20 વર્લ્ડ કપને 20 ટીમો સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય એસોસિએટ દેશો માટે વરદાન સાબિત થયો છે. આ ટીમોને વધુ મેચ રમવાની તક મળી છે અને તેનો ફાયદો તેઓ પુરેપુરો ઉઠાવી રહ્યા છે. ટૂર્નામેન્ટના શરૂઆતના મુકાબલાઓએ સાબિત કરી દીધું છે કે ફુલ મેમ્બર અને એસોસિએટ ટીમો વચ્ચેનો તફાવત T20 ફોર્મેટમાં ઝડપથી ઘટી રહ્યો છે.
નેધરલેન્ડ્સ, USA અને નેપાળ જેવી ટીમોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તેમને હળવાશથી લેવામાં આવશે તો મોટું નુકસાન થઈ શકે છે.
નેધરલેન્ડ્સે પાકિસ્તાનને પરેશાન કર્યું
નેધરલેન્ડ્સ સામેના પહેલા મુકાબલામાં પાકિસ્તાન હારના કિનારે પહોંચી ગયું હતું. 148 રનની ટાર્ગેટનો પીછો કરતાં પાકિસ્તાનને છેલ્લાં બે ઓવરમાં 29 રનની જરૂર હતી.19મી ઓવરની પહેલી જ બોલ પર મેક્સ ઓ’ડાઉડે ફહીમ અશરફનો કેચ છોડ્યો, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. ફહીમે આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને પાકિસ્તાનને રોમાંચક જીત અપાવી.એક સમયે એવું લાગી રહ્યું હતું કે નેધરલેન્ડ્સ મેચ જીતી જશે, પરંતુ T20 ક્રિકેટમાં નાનાં ક્ષણો જ મોટા પરિણામ નક્કી કરે છે, અને અહીં પણ એવું જ થયું. ભલે નેધરલેન્ડ્સ હારી ગયું, પરંતુ તેણે ગ્રુપ Aની બધી ટીમોને કડક ચેતવણી આપી દીધી.આ ઉપરાંત, 10 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સે નામિબિયાને 7 વિકેટે હરાવીને પોતાનું દમદાર ફોર્મ ફરી એકવાર સાબિત કર્યું.
USAએ ટીમ ઈન્ડિયાને અરીસો બતાવ્યો
વાનખેડે સ્ટેડિયમમાં USAએ ભારત સામે એવો મુકાબલો કર્યો કે એક સમયે મોટો અપસેટ થતો જણાતો હતો. ભારતીય ટીમ 76 રનમાં 6 વિકેટ ગુમાવી ચૂકી હતી, અને સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.
પરંતુ ત્યારબાદ સૂર્યકુમાર યાદવની કેપ્ટનસી ઇનિંગ્સે મેચનો પાસો પલટાવ્યો. USAએ પોતાના 20 ઓવરમાં 132 રન બનાવ્યા, પરંતુ ભારતની હાલત જોતા એવું સ્પષ્ટ હતું કે જો સૂર્યકુમારની એ ઇનિંગ્સ ન હોત, તો ભારત 140 રન પણ ન કરી શકત.આ મેચે સાબિત કરી દીધું કે USA હવે માત્ર નામની ટીમ નથી, પરંતુ કોઈ પણ મોટી ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
નેપાળે ઇંગ્લેન્ડને હચમચાવી દીધું
નેપાળે પણ પોતાના પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે મોટો ઝટકો આપવાનો લગભગ કારનામો કરી નાખ્યો હતો. 185 રનની ટાર્ગેટનો પીછો કરતાં નેપાળને છેલ્લી ઓવરમાં માત્ર 10 રનની જરૂર હતી.
પરંતુ અહીં સેમ કરનની શાનદાર યોર્કરે નેપાળની જીત છીનવી લીધી. ઇંગ્લેન્ડ કોઈ રીતે મેચ બચાવવામાં સફળ થયું, પરંતુ નેપાળે સાબિત કરી દીધું કે હવે તે કોઈ પણ ટીમ સામે ડર્યા વગર રમે છે.

