T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશમાં હોબાળો: “અમારું કોઈ નથી”, ખેલાડીઓની છલકાઈ પીડા

3 Min Read

T20 વર્લ્ડ કપ મુદ્દે બાંગ્લાદેશમાં બખેડો: ખેલાડીઓનો આક્ષેપ “આ નિર્ણયમાં અમારો કોઈ હાથ નહોતો”

ICC T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશ બહાર થયા બાદ દેશના ક્રિકેટ વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે સુરક્ષા કારણોસર બાંગ્લાદેશ સરકારે ભારત પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે રમતગમત સલાહકાર આસિફ નઝરુલના બદલાયેલા નિવેદનથી સમગ્ર મામલો વધુ વિવાદાસ્પદ બની ગયો છે.

સરકાર કે બોર્ડ નિર્ણય કોણે લીધો?

22 જાન્યુઆરીએ આસિફ નઝરુલએ જાહેર કર્યું હતું કે ભારત જઈને વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય સરકારનો હતો અને તે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો હતો. તેમના આ નિવેદન બાદ મામલો લગભગ શાંત થઈ ગયો હતો.

- Advertisement -

પરંતુ તાજેતરમાં નઝરુલએ પોતાના નિવેદનમાં ફેરફાર કરતા કહ્યું કે ટીમને ભારત ન મોકલવાનો નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ખેલાડીઓએ મળીને લીધો હતો. તેમણે દાવો કર્યો કે ખેલાડીઓએ દેશની સુરક્ષા અને માન માટે બલિદાન આપ્યું છે અને આ નિર્ણય એક ઉદાહરણ તરીકે યાદ રહેશે.આ નિવેદન બાદ બાંગ્લાદેશ ક્રિકેટમાં જોરદાર ઉથલપાથલ મચી ગઈ છે.

ban.jpg

- Advertisement -

ખેલાડીઓમાં રોષ, “અમે બેકસૂર છીએ”

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાંગ્લાદેશ ટીમના અનેક ખેલાડીઓ નઝરુલના આ ‘યુ-ટર્ન’થી નારાજ છે. કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પક્ષમાં હતા, કારણ કે વર્લ્ડ કપમાં ન રમવાથી ICC આવક અને ભવિષ્યમાં શક્ય પ્રતિબંધોનો ખતરો ઊભો થઈ શકે હતો.

એક ખેલાડીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે “આ નિવેદન સાંભળીને અમને આશ્ચર્ય થયું. આ નિર્ણયમાં અમારો કોઈ હાથ નહોતો.” અન્ય એક ખેલાડીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – “તમે તેમનું નિવેદન સાંભળ્યું. અમે શું કહીએ? અમારું તો કોઈ નથી. અમે લાચાર છીએ.”

રિપોર્ટ્સ અનુસાર, બેઠક દરમિયાન ખેલાડીઓના મતને ગંભીરતાથી સાંભળવામાં પણ આવ્યો નહોતો. આવા સંજોગોમાં નિર્ણયનો ભાર બોર્ડ અને ખેલાડીઓ પર નાખવો વધુ ચોંકાવનારો માનવામાં આવે છે.

- Advertisement -

BCBમાં પણ અસંતોષ

નઝરુલના બદલાયેલા નિવેદન બાદ BCBની અંદર પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. બોર્ડના એક નિર્દેશકે જણાવ્યું કે પહેલા તેમણે કહ્યું હતું કે આ સરકારનો નિર્ણય છે, હવે તેઓ કહી રહ્યા છે કે આ બોર્ડ અને ખેલાડીઓનો નિર્ણય હતો. હકીકતમાં ટીમને ન મોકલવાની જાહેરાત તેમણે જ કરી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ BCB અથવા ખેલાડીઓનો નિર્ણય નહોતો, તેથી જવાબદારીથી પલાયન કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

ban1.jpg

સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિકેટ ચાહકો અને વિશ્લેષકો બંને પક્ષોની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક માને છે કે ક્રિકેટ અને રાજકારણને અલગ રાખવું જોઈએ.

ICCના નિર્ણય બાદ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું, જે ટીમ માટે મોટો ઝટકો સાબિત થયો છે. હવે પ્રશ્ન એ છે કે આ વિવાદનો અંત ક્યાં આવશે અને આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ભાગીદારી પર તેની શું અસર પડશે?

એક વાત સ્પષ્ટ છે – T20 વર્લ્ડ કપ 2026 પહેલાં જ બાંગ્લાદેશ ક્રિકેટમાં જે વિવાદ ઊભો થયો છે, તેણે ટીમની એકતા અને પ્રશાસનની પારદર્શિતાને લઈને અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે.

Share This Article