ભત્રીજીના લગ્નમાં જવું છે? તો પહેલા ₹1.5 કરોડ જમા કરો, હાઈકોર્ટની રાજપાલ યાદવને કડક ચેતવણી
બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેક બાઉન્સના જૂના કેસમાં જેલની હવા ખાઈ રહેલા રાજપાલ યાદવની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. કોર્ટે અભિનેતાને રાહત આપવાના સંકેત તો આપ્યા છે, પરંતુ તેની સાથે એક કડક શરત અને ‘ડેડલાઈન’ પણ નક્કી કરી છે.
હાઈકોર્ટે રાજપાલ યાદવના વકીલને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેઓ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) જમા કરાવશે, તો જ તેમની મુક્તિ પર વિચાર કરવામાં આવશે. ચાલો જાણીએ કે આખરે આખો વિવાદ શું છે અને રાજપાલ યાદવ તિહાર જેલ સુધી કેવી રીતે પહોંચ્યા.
કોર્ટની કડક ટિપ્પણી: “વાયદો કર્યો છે તો નિભાવવો પડશે”
જામીન અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટનું વલણ ઘણું કડક જોવા મળ્યું હતું. કોર્ટે રાજપાલ યાદવના વકીલને સ્પષ્ટપણે કહ્યું, “જો તમે બપોરે 3 વાગ્યા સુધીમાં પ્રતિવાદીના નામે 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટમાં જમા કરાવો છો, તો અમે તમને (રાજપાલ યાદવને) મુક્ત કરવાનો આદેશ આપીશું. પરંતુ, જો તમે તેમ કરવામાં નિષ્ફળ રહેશો, તો આ મામલે આવતીકાલે સવારે સુનાવણી કરવામાં આવશે.”
તમને જણાવી દઈએ કે અગાઉ 12 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં પણ કોર્ટે રાજપાલ યાદવની આકરી ટીકા કરી હતી. બેન્ચે કહ્યું હતું કે અભિનેતા આજે જેલમાં છે કારણ કે તેમણે પૈસા પાછા આપવાના તેમના અગાઉના અનેક વાયદાઓ પૂરા કર્યા નથી. વારંવાર કોર્ટમાં હાજર રહેવા અને આશ્વાસન આપવા છતાં ચૂકવણી ન કરવી એ કોર્ટની અવમાનના અને વિશ્વાસ તોડવા સમાન છે.
ભત્રીજીના લગ્ન માટે માંગી હતી જામીન
રાજપાલ યાદવે કોર્ટ પાસે વચગાળાના જામીનની અપીલ મુખ્યત્વે તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવાના આધારે કરી હતી. અભિનેતાની દલીલ હતી કે પારિવારિક સમારોહમાં તેમની હાજરી જરૂરી છે. જોકે, કોર્ટે તેમના પાછલા રેકોર્ડને જોતા તાત્કાલિક રાહત આપવાને બદલે પૈસાની ચુકવણીને પ્રાથમિકતા આપી હતી.
શું છે 9 કરોડનો આ વિવાદ? (કેસની સંપૂર્ણ ટાઈમલાઈન)
રાજપાલ યાદવની કાનૂની મુસીબતો એક દાયકા કરતા પણ વધુ જૂની છે. તેની શરૂઆત વર્ષ 2010 માં થઈ હતી:
-
2010-2012: રાજપાલ યાદવે દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મના ફંડિંગ માટે તેમણે દિલ્હી સ્થિત કંપની ‘મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
-
2012: ફિલ્મ રિલીઝ થઈ પરંતુ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી. આ પછી રાજપાલ યાદવ પાસે લોન ચૂકવવાનું સંકટ ઊભું થયું.
-
2018: જ્યારે લોનની રકમ ચૂકવવામાં આવી ન હતી, ત્યારે કાનૂની લડાઈ શરૂ થઈ. એપ્રિલ 2018 માં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજપાલ અને તેમની પત્ની રાધાને દોષિત ઠેરવ્યા હતા. ફરિયાદીને આપવામાં આવેલા તેમના સાત ચેક બાઉન્સ થયા હતા. તેમને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
-
2019-2024: મામલો સેશન કોર્ટ અને પછી હાઈકોર્ટમાં પહોંચ્યો. જૂન 2024 માં કોર્ટે સજા સસ્પેન્ડ કરીને તેમને બાકી રકમ ચૂકવવાની છેલ્લી તક આપી હતી. પરંતુ વ્યાજ અને અન્ય ખર્ચ સાથે આ દેવું વધીને 9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
તિહાર જેલ અને વારંવાર તૂટતા વાયદા
રાજપાલ યાદવ 5 ફેબ્રુઆરી 2026 થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. ઓક્ટોબર 2025 સુધીમાં તેમણે 75 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ કોર્ટનું માનવું છે કે કુલ લેણાંની સામે આ ખૂબ જ નાની રકમ છે. કોર્ટે કહ્યું કે અભિનેતાએ વારંવાર ‘ડેડલાઈન’ ચૂકી છે અને પોતાની કમિટમેન્ટ પૂરી કરી નથી, જેના કારણે તેમને જેલ જવું પડ્યું.
આગળ શું થશે?
હવે સૌની નજર બપોરે 3 વાગ્યાની ડેડલાઈન પર ટકેલી છે. જો રાજપાલ યાદવના વકીલ 1.5 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી લેશે, તો અભિનેતા આજે રાત સુધીમાં પોતાના ઘરે જઈ શકશે. અન્યથા, તેમણે આવતીકાલ સુધી ફરીથી કોર્ટની આગામી કાર્યવાહીની રાહ જોવી પડશે.
રાજપાલ યાદવના ચાહકો માટે આ સમાચાર ઘણા ચોંકાવનારા છે, કારણ કે મોટા પડદા પર સૌને હસાવનાર અભિનેતા આજે પોતાની એક નાની ભૂલ અને દેવાના જાળમાં ફસાઈને કાનૂની લડાઈ લડી રહ્યો છે.

તિહાર જેલ અને વારંવાર તૂટતા વાયદા