અસ્થમાની પહેલી ચેતવણી શું છે? જાણો આ બીમારીના શરૂઆતી લક્ષણો અને બચવાના ઉપાયો
અસ્થમા એ શ્વસનતંત્ર સાથે જોડાયેલી એક ગંભીર સ્થિતિ છે, જેના શરૂઆતી લક્ષણોને સમયસર ઓળખવા ખૂબ જ જરૂરી છે. જો તમે શરૂઆતમાં જ સાવધ થઈ જાવ, તો આ સમસ્યાને ગંભીર બનતી અટકાવી શકાય છે અને યોગ્ય નિયંત્રણ મેળવી શકાય છે.
જ્યારે કોઈ વ્યક્તિને અસ્થમા થાય છે, ત્યારે તેના શ્વસનતંત્રમાં ફેરફાર થવા લાગે છે. શ્વાસનળીમાં અંદરથી સોજો આવવા લાગે છે અને મ્યુકસ (કફ) જરૂરિયાત કરતા વધુ બનવા લાગે છે, જે શ્વાસ લેવાના માર્ગને અવરોધે છે. આને કારણે શ્વાસનળીની આસપાસના સ્નાયુઓ જકડાઈ જાય છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગે, તો તેને ‘અસ્થમા એટેક’ કહેવામાં આવે છે.
અસ્થમાના પ્રારંભિક ચેતવણી સંકેતો (Warning Signs)
અસ્થમાનો એટેક આવે તે પહેલા શરીર કેટલાક સંકેતો આપે છે, જે નીચે મુજબ હોઈ શકે છે:
- શરીરમાં મ્યુકસ (કફ)નું પ્રમાણ વધવા લાગે છે.
- નાક વહેવા લાગે છે અથવા તો નાક હંમેશા બંધ હોય તેવું લાગે છે.
- ગળામાં અને હડપચી (Chin) ના ભાગમાં ખંજવાળ આવવા લાગે છે.
- વ્યક્તિના ખભા ઉપર તરફ ખેંચાયેલા લાગે છે અને શરીર થોડું નમેલું (Slouching) દેખાય છે.
અસ્થમાના સામાન્ય લક્ષણો
જો તમને નીચે મુજબની સમસ્યાઓ વારંવાર થતી હોય, તો તે અસ્થમા હોઈ શકે છે:
- શ્વાસ ચઢવો: સામાન્ય કામ કરતા પણ શ્વાસ ફૂલવા લાગે કે શ્વાસ લેવામાં તકલીફ પડે.
- ઉધરસ: સતત અથવા વારંવાર ઉધરસ આવવી.
- છાતીમાં જકડન: છાતીમાં ભાર લાગવો અથવા દુખાવો થવો.
- વ્હીઝિંગ સાઉન્ડ: શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ આવવો.
- ઊંઘમાં ખલેલ: રાત્રે લક્ષણો વધી જવાને કારણે વારંવાર ઊંઘ ઉડી જવી.
અસ્થમાની સારવાર કેવી રીતે થાય છે?
ચેતવણીના સંકેતો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સામાન્ય રીતે ડોક્ટર લક્ષણોને નિયંત્રિત કરવા માટે દવાઓ અને ઇનહેલર (Inhaler) આપે છે. કેટલાક કિસ્સાઓમાં રાહત મેળવવા માટે ઇન્જેક્શનની પણ મદદ લેવામાં આવે છે.
જો ઇનહેલર પાસે ન હોય તો શું કરવું?
જો ક્યારેય શ્વાસ લેવામાં તકલીફ થાય અને ઇનહેલર પાસે ન હોય, તો ગભરાશો નહીં. સૌથી પહેલા ટટ્ટાર બેસી જાવ. ક્યારેય સૂતા નહીં, કારણ કે સૂવાથી શ્વાસ લેવામાં વધુ તકલીફ પડશે. તમારી શ્વાસ લેવાની ગતિ પર ધ્યાન આપો અને ધીરે ધીરે શ્વાસ લેવાનો પ્રયત્ન કરો.
ટ્રિગર્સ (Triggers) થી દૂર રહો
અસ્થમાના દર્દીઓએ એવી વસ્તુઓથી બચવું જોઈએ જેનાથી તેમની તકલીફ વધી શકે છે:
- ધૂળ, માટી અને ધુમાડાથી દૂર રહો.
- જે લોકોને શરદી-ઉધરસ હોય તેમનાથી અંતર રાખો.
- ઠંડી હવા અને અતિશય તણાવથી બચો.
- પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાક અને પીણાં ટાળો.

