“ભ્રષ્ટાચારનો ભાર સહન નથી કરી શકતી પાણીની ટાંકીઓ…” અખિલેશ યાદવના યોગી સરકાર પર આકરા પ્રહાર
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ભ્રષ્ટાચાર, વંદે માતરમ્ વિવાદ અને મતદાર યાદીમાં ગેરરીતિ જેવા ગંભીર આરોપો લગાવતા અખિલેશે દાવો કર્યો છે કે વર્તમાન સરકાર લોકશાહીનો અવાજ દબાવી રહી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ સરકારના શાસનમાં બનેલી પાણીની ટાંકીઓ એટલી નબળી છે કે તે ભ્રષ્ટાચારનો ભાર પણ સહન કરી શકતી નથી અને તૂટી રહી છે.
“આટલી જૂઠી સરકાર ક્યારેય નથી જોઈ”
અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આ સરકાર કોઈપણ પ્રકારનો વિરોધ સ્વીકારવા તૈયાર નથી અને માત્ર પોતાનો જ રાગ આલાપી રહી છે. તેમણે ઉમેર્યું, “મેં મારા જીવનમાં આટલી જૂઠી સરકાર ક્યારેય જોઈ નથી. વિકસિત ભારત જેવી મોટી યોજનાઓના નામે આ લોકો માત્ર વાતો કરે છે, જ્યારે વાસ્તવમાં નવી યોજનાઓનું બજેટ કાપવામાં આવી રહ્યું છે.”
મતદાર યાદી (SIR) અને પછાત વર્ગો સાથે અન્યાય
મતદાર યાદીમાં સુધારાના મુદ્દે અખિલેશે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, માત્ર મુસ્લિમો, પછાત વર્ગો, દલિતો અને ગરીબોને ‘ફોર્મ-7’ હેઠળ નોટિસ આપીને તેમના વોટ કાપવામાં આવી રહ્યા છે. તેમણે Gen Z (નવી પેઢી) નો હવાલો આપતા કહ્યું કે આજનો યુવાન ઘણો જાગૃત છે અને તેઓ સીએમ (CM) નો અર્થ ‘Corrupt Mouth’ કાઢી રહ્યા છે.
વંદે માતરમ્ અને JPNIC વિવાદ
વંદે માતરમ્ મુદ્દે બોલતા અખિલેશે કહ્યું કે, મુખ્યમંત્રીના ‘અન-રજિસ્ટર્ડ સંઘી મિત્રો’એ ક્યારેય વંદે માતરમ્ ગાયું નથી—ન તો આઝાદી પહેલા કે ન તો આઝાદી પછી. જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ સેન્ટર (JPNIC) ના મુદ્દે તેમણે ભાજપને પડકાર ફેંક્યો કે, “જે વ્યક્તિએ JPNIC બનાવ્યું તે હવે ભાજપમાં છે. જો ભાજપને તેમાં ભ્રષ્ટાચાર દેખાતો હોય, તો જેણે તે બનાવ્યું છે તેને પહેલા પોતાની પાર્ટીમાંથી બહાર કાઢે.”
झूठ बोलते समय ही चेहरे पर इतना तनाव होता है। सबको साँप सा क्यों सूँघ गया है?
सच तो ये है कि न ये संतो का सम्मान करते हैं, न स्वतंत्रता सेनानियों का न ही सज्जनों का। pic.twitter.com/K7aQNqZgJq
— Akhilesh Yadav (@yadavakhilesh) February 17, 2026
લોકશાહી જોખમમાં હોવાનો દાવો
સપા મુખિયાએ આરોપ લગાવ્યો કે ગરીબો અને પછાત લોકો પર અન્યાય થઈ રહ્યો છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર સીએમ યોગીનો એક વીડિયો શેર કરતા લખ્યું કે, “જૂઠું બોલતી વખતે ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાય છે. સત્ય તો એ છે કે આ સરકાર ન તો સંતોનું સન્માન કરે છે, ન તો સ્વાતંત્ર્ય સેનાનીઓનું કે ન તો સજ્જન માણસોનું.”
