ગુજરાત બજેટ 2026-27: અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, રમતગમત ક્ષેત્રે રૂ. 1,331 કરોડનો માતબર ખર્ચ
ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની જાહેરાત રહી છે. રાજ્ય સરકારે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા અને 2030ની કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાનીની તૈયારીઓ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.
પાંચમી વખત બજેટ રજૂ કરી કનુ દેસાઈએ સર્જ્યો વિક્રમ
નાણામંત્રી કનુ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ બજેટમાં ‘GYAN’ મોડેલ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ) પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં રમતગમત અને માળખાગત સુવિધાઓને વિશેષ પ્રાધાન્ય અપાયું છે.
અમદાવાદ: 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકનું સપનું
સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદ માત્ર દેશનું આર્થિક પાટનગર જ નહીં, પણ હવે વૈશ્વિક રમતગમતનું નકશા પર પણ ચમકશે.
- કુલ સ્પોર્ટ્સ બજેટ: રમતગમત વિભાગ માટે કુલ રૂ. 1,331 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
- ઓલિમ્પિક રેડી સિટી: અમદાવાદને ઓલિમ્પિક સ્તરનું શહેર બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે રૂ. 1,278 કરોડ નો માસ્ટર પ્લાન રજૂ કરાયો છે.
- SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે બની રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે રૂ. 500 કરોડ ની ખાસ ફાળવણી કરવામાં આવી છે.
રમતગમત ક્ષેત્રની અન્ય મોટી જાહેરાતો:
- વર્લ્ડ ક્લાસ હોકી સ્ટેડિયમ: ગુજરાતમાં હોકીના પ્રોત્સાહન માટે રૂ. 90 કરોડ ના ખર્ચે આધુનિક હોકી સ્ટેડિયમ બનાવવામાં આવશે.
- પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર: દિવ્યાંગ ખેલાડીઓ માટે ગાંધીનગર ખાતે રૂ. 100 કરોડ ના ખર્ચે સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર સ્થપાશે.
- કરઈ ખાતે ઓલિમ્પિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્યની પોલીસ એકેડમી કરઈ ખાતે રમતગમતની અત્યાધુનિક સુવિધાઓ માટે રૂ. 100 કરોડ ફાળવાયા છે.
- જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે રૂ. 165 કરોડ ની જોગવાઈ કરાઈ છે.
આધુનિક પરિવહન અને કનેક્ટિવિટી પર ભાર
કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન લાખોની સંખ્યામાં આવનારા વિદેશી પ્રવાસીઓ અને ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદની કનેક્ટિવિટી સુધારવા પર પણ જોર અપાયું છે. બજેટમાં જાહેર પરિવહન સેવાઓ, મેટ્રો રેલ અને નવા ફ્લાયઓવર્સ માટે મોટી રકમ ફાળવવામાં આવી છે. શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ‘સ્માર્ટ સિસ્ટમ’ અને સ્પોર્ટ્સ વેન્યુઝને સીધા મેટ્રો સાથે જોડવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવાસન અને યુવા શક્તિ માટે પણ મોટી જાહેરાત
બજેટમાં વર્ષ 2026 ને ‘ગુજરાત ટૂરિઝમ યર’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. રમતગમતની સાથે પ્રવાસન પણ વિકસે તેવા હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરનાર અને દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

