અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં પટેલના મેદાન પાસે, પ્રભુદાસ એસ્ટેટમાં રોશન પાર્કની સામે આકાર લઈ રહેલા એક મલ્ટી-સ્ટોરી ફ્લેટના કથિત ગેરકાયદેસર બાંધકામને લઈને ભારે વિવાદ સર્જાયો છે. સ્થાનિક સુત્રો અને જાગૃત નાગરિકો દ્વારા આ બાંધકામ સામે ૭૦થી પણ વધુ લેખિત અરજીઓ અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ મૌનને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ અને વિજિલન્સ શાખાની કામગીરી સામે ગંભીર સવાલો અને શંકાઓ ઊભી થઈ રહી છે.
નિર્દોષ નાગરિકોની જીવતરની કમાણી દાવ પર: ભવિષ્યમાં તોડફોડ થાય તો જવાબદાર કોણ?
સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે જ્યારે નિર્દોષ અને સામાન્ય નાગરિકો પોતાની પરસેવાની કમાણીમાંથી અહીં ફ્લેટ ખરીદશે અને ભવિષ્યમાં જો AMC દ્વારા આ ઈમારતને ‘ગેરકાયદેસર’ ઘોષિત કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવશે, તો થનારા આર્થિક અને માનસિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? શું તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને ખરીદનાર સામાન્ય માણસને રસ્તા પર રજડતો મૂકી દેવા માંગે છે? શું ડિમોલેશન પછીની તમામ જવાબદારી બિલ્ડર, AMC એસ્ટેટ વિભાગ કે પછી ભોગ બનનાર ખરીદનારની રહેશે? તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

AMC એસ્ટેટ વિભાગની શંકાસ્પદ કાર્યપદ્ધતિ: ઈમારત વેચાઈ ગયા પછી જ બુલડોઝર કેમ ફરે છે?
માત્ર દાણીલીમડા જ નહીં, પરંતુ જુહાપુરા, ફતેવાડી, સરખેજ, વટવા, ચંડોળા અને ઈસનપુર જેવા અનેક વિસ્તારોમાં AMCના એસ્ટેટ વિભાગની એક સરખી જ પેટર્ન જોવા મળે છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામની શરૂઆત થાય છે, પાયા ખોદાય છે અને સ્લેબ ભરાય છે, ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ ઊંઘતા ઝડપાય છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરે છે? જ્યારે આખું બાંધકામ પૂરું થઈ જાય, નિર્દોષ નાગરિકો પોતાના ઘરના સપના પૂરા કરવા માટે ફ્લેટ ખરીદી લે અને રહેવા આવી જાય, તેના બે-પાંચ વર્ષ પછી જ તંત્રને આ બાંધકામો ગેરકાયદેસર દેખાવા લાગે છે! શું AMCનું બુલડોઝર માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોનું ઘર છીનવી લેવા માટે જ છે?
સ્થાનિક રાજકારણ, કોર્પોરેટરો અને તંત્રની મિલીભગત કે આંખ આડા કાન?
જ્યારે કોઈ પણ વિસ્તારમાં મસમોટા બાંધકામો ઊભા થતા હોય ત્યારે સ્થાનિક કોર્પોરેટરો, રાજકીય પક્ષોના નેતાઓ કે AMCના એસ્ટેટ વિભાગના બીટ ઇન્સ્પેક્ટરોને આ બાબતની જાણ હોતી નથી? તે માનવું તદ્દન અશક્ય છે. અગાઉથી ફરિયાદો મળી હોવા છતાં પણ કોઈ તપાસ કે તપાસનો રેકોર્ડ જાહેર કેમ કરવામાં આવતો નથી? શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે પછી સજ્જન નાગરિકો આર્થિક રીતે પાયમાલ થઈ જાય તેની રાહ જોવાઈ રહી છે? હવે સમય આવી ગયો છે કે AMCના એસ્ટેટ વિભાગ, વિજિલન્સ વિભાગ અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે આવીને પબ્લિક સામે સમગ્ર સત્ય સ્પષ્ટ કરે.

સત્ય ડે ન્યૂઝનો સીધો અને કડક સવાલ!
ગેરકાયદેસર બાંધકામ સામે સમયસર અને શરૂઆતના તબક્કે જ કડક ડંડો ચલાવવામાં આવશે કે પછી સામાન્ય નાગરિકોની જીવનભરની મૂડી બરબાદ થઈ ગયા બાદ જ તંત્ર ઊંઘમાંથી જાગશે? ગેરકાયદેસર બાંધકામો શરૂ થાય ત્યારે જ તેને કેમ અટકાવવામાં આવતા નથી?
જાહેર જનતા માટે ચેતવણી અને અપીલ: કોઈપણ મિલકત કે ફ્લેટ ખરીદતા પહેલા AMCના મંજૂર થયેલા પ્લાન, BU પરમિશન અને ટાઈટલ ક્લિયરન્સની પૂરેપૂરી ચકાસણી કરવી અત્યંત જરૂરી છે, જેથી કરીને ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓના ખેલનો ભોગ બનવાથી બચી શકાય.
