CAA હેઠળ અમદાવાદમાં ૧૫૮ શરણાર્થીઓને મળ્યું ભારતીય નાગરિકત્વ
અમદાવાદના આંગણે આજે એક અત્યંત ભાવુક અને ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. દેશમાં નવરાત્રિનો પવિત્ર માહોલ છે, ત્યારે પોતાના જ વતનમાં પરકીય અને અત્યાચારનો ભોગ બનેલા ૧૫૮ પરિવાર માટે આ તહેવાર નવી જિંદગીની શરૂઆત લઈને આવ્યો છે. સાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગના ઓડિટોરીયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ૧૫૮ શરણાર્થીઓને અધિકૃત રીતે ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા.

વર્ષોથી અનુભવેલા ભય, અનિશ્ચિતતા અને પીડામાંથી મુક્તિ મળીને ભારત દેશનું કાયદેસરનું સન્માનપૂર્વકનું નાગરિકત્વ મળતાં જ આ પરિવારોની આંખોમાં હરખના આંસુ છલકાઈ ગયા હતા. સમગ્ર ગૃહમાં એક નવો જ ઉત્સાહ અને રોમાંચ વ્યાપી ગયો હતો.
“દિવાળીને હજુ વાર છે, પણ આ પરિવારો માટે આજે જ ઉત્સવ”: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત સંવેદનશીલ શબ્દોમાં ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “પંચાંગ મુજબ દિવાળીના તહેવારને હજુ ૨૦ દિવસ જેટલો સમય બાકી છે, પરંતુ આજે ભારતની નાગરિકતા મળતાં જ આ ૧૫૮ પરિવારોના ઘરોમાં અને હૃદયમાં અત્યારથી જ દિવાળી જેવો પાવન ઉત્સવ શરૂ થઈ ગયો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં ધાર્મિક ઉત્પીડન, અન્યાય અને અસહ્ય યાતનાઓ સહન કરીને આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી ભાઈ-બહેનોને આ ભયજનક વાતાવરણમાંથી ઉગારીને એક નવું, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન આપવાનું કામ ભારત સરકારે કર્યું છે. આ ઐતિહાસિક પગલાં બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
હર્ષ સંઘવીએ સીએએ (CAA – નાગરિકતા સુધારા કાયદા) નું મહત્વ રેખાંકિત કરતાં કહ્યું કે, જે લોકો માત્ર રાજકીય સ્વાર્થ અને અંગત લાભ માટે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ ક્યારેય આ પીડિત પરિવારોની દર્દનાક યાતનાઓ અને ભયને સમજી શક્યા નથી. ભારતીય પાસપોર્ટ અને નાગરિકતા માત્ર એક કાગળનો ટુકડો નથી, પરંતુ તે દેશના બંધારણ દ્વારા અપાતું સુરક્ષાચક્ર છે. આપણા દેશ અને ગુજરાત રાજ્યની પરંપરા જ રહી છે કે આપણી શરણમાં આવનાર કોઈ પણ તકલીફમાં હોય તો તેને ખુલ્લા દિલે આવકારવો.

પોતાના વક્તવ્ય દરમિયાન તેમણે પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા નિર્મલાજી, કુંવરબેન અને નંદલાલજી જેવા પરિવારોની આપવીતી યાદ કરી સૌને ભાવુક કરી દીધા હતા. ખાસ કરીને તેમણે દીકરી ધારા સિંધુના સંઘર્ષની વાત કરી હતી, જેણે શારીરિક પડકારો હોવા છતાં ખેલકૂદ ક્ષેત્રે (ટેબલ ટેનિસ અને ફ્લોર ગેમ્સ) જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હવેથી આ પરિવારોની આવનારી પેઢીઓ આઝાદ દેશમાં ડોક્ટર, એન્જિનિયર અને આંતરરાષ્ટ્રીય ખેલાડી બનીને ગુજરાત અને સમગ્ર દેશનું નામ રોશન કરશે.

સમાજમાં મોભાદાર સ્થાન અને દેશના વિકાસમાં ભાગીદારી: મહાનુભાવોના વિચારો
કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓએ પણ આ પ્રસંગને દેશની એકતા અને અખંડિતતા માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો.
શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા: તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સીએએ કાયદો લાવવામાં આવ્યો છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સતત પ્રયાસોથી આ પીડિત ભાઈ-બહેનોને આજે તેમના મૂળ હકો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર અને મહિલા બાળ વિભાગના ચેરમેન ડિમ્પલબેનનું પ્રેરણાદાયી ઉદાહરણ આપતાં કહ્યું કે, ગઈકાલે શરણાર્થી રહેલા લોકો આજે નાગરિક બનીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવી રહ્યા છે અને લોકશાહીના વિકાસમાં ભાગીદાર બની રહ્યા છે. તેમણે સૌને અભિનંદન આપતાં અધિકારોની સાથે દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા આહવાન કર્યું હતું.
ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી: તેમણે જણાવ્યું કે વર્ષોથી લઘુમતી પરિવારો જે વેદના, અનિશ્ચિતતા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેનો આજે અંત આવ્યો છે. ૧૫૮ જેટલા ભાઈ-બહેનોને નાગરિકતા આપીને સરકારે તેમને સન્માનપૂર્વક જીવવાનો હક આપ્યો છે. તેમણે તમામ લાભાર્થીઓને ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં સક્રિય રીતે જોડાવા આગ્રહ કર્યો હતો.

“આ અમારા માટે નવો જન્મ છે”: શરણાર્થી પરિવારોની આંખોમાં હરખના આંસુ
પ્રમાણપત્ર મેળવ્યા બાદ ત્રણ શરણાર્થી પરિવારોના મોભીઓ – નરેન્દ્ર કુમાર, શ્રાવણ કુમાર અને શારદાદેવીએ પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે અત્યંત ભાવુક બનીને જણાવ્યું હતું કે, “અમે જે યાતનાઓ અને ભયના ઓછાયા હેઠળ દિવસો વિતાવ્યા છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આજે ભારત સરકારે અમને જે સન્માન અને નાગરિકતા આપી છે તે અમારા માટે એક નવો જન્મ છે.”
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત સરકારનો આભાર માનતાં કહ્યું કે, આજનો આ દિવસ તેમના જીવનનો સૌથી ગૌરવપૂર્ણ દિવસ છે અને આ ક્ષણ તેમના માટે સાચા અર્થમાં દિવાળી સમાન છે.

નાગરિકતા આપવામાં અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે
ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ એન્ડ ડિરેક્ટર ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન સુજલ મયાત્રાએ આ પ્રક્રિયા વિશે ટેકનિકલ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ૨૦૧૯ હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતી સમુદાયોને સતત નાગરિકતા આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૫૦૦થી વધુ લોકોને ભારતીય નાગરિક બનાવી દેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ‘સિટીઝનશિપ એક્ટ-૧૯૫૫’ની કલમ-૫ અને ૬ અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરઓને એનાયત કરાઈ છે. આ નીતિ હેઠળ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ૧૨૦૦થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ
આ ગૌરવશાળી સમારોહમાં ધારાસભ્ય સર્વે અમિત ઠાકર, કૌશિકભાઇ જૈન, બાબુભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ પટેલ, અમદાવાદના જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, ‘વિસ્થાપિત હિંદુ સહાયતા મંચ’ના પ્રતિનિધિઓ, ‘સિંધ માઇનોરીટી એસોસિએશન’ના અગ્રણીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. સૌએ એકસૂરે ભારત માતાકી જયના નારા સાથે નવ-નાગરિકોનું સ્વાગત કર્યું હતું.
