ગેરકાયદેસર ખનન અને વહન સામે કડક વલણ: ગાંધીનગરમાં ખાણ-ખનિજ વિભાગની વિશેષ ડ્રાઈવ, ૧૨ વાહનો જપ્ત
ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન પ્રવૃત્તિઓ ડામવા માટે તંત્ર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ અને ખાણ-ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાયેલી ખાસ ડ્રાઈવમાં ખનિજ ચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી અંદાજે રૂ. ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વિવિધ વિસ્તારોમાં ઓચિંતી તપાસ અને મુદ્દામાલ જપ્તી
તપાસ ટીમ દ્વારા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન બિન-અધિકૃત રીતે સાદી રેતી અને બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ ૧૨ વાહનો પકડી પાડવામાં આવ્યા છે. જેમાં ૧૦ વાહનો રોયલ્ટી પાસ વગર અને ૦૨ વાહનો નિયત મર્યાદા કરતા વધુ ખનિજ (ઓવરલોડ) ભરીને જતા ઝડપાયા હતા.
ઝડપાયેલા વાહનો અને વિસ્તારોની વિગત
| વિસ્તાર | વાહનનો પ્રકાર અને નંબર | ખનિજનો પ્રકાર / વિગત |
| જેઠીપુર રોડ | ડમ્પર (GJ-09-AU-0707) | સાદી રેતીનું બિન-અધિકૃત વહન |
| પ્રાંતીયા બ્રીજ | મેસી ટ્રેક્ટર (GJ-18-BJ-0940) | ગેરકાયદેસર રેતી વહન |
| પેથાપુર | બે ડમ્પર (GJ-02-XX-5456, GJ-02-CZ-9215) | રોયલ્ટી પાસ વગર સાદી રેતી |
| ધંધુ ચોકડી | ડમ્પર (GJ-08-AW-9241) | બ્લેકટ્રેપ ખનિજ (ઓવરલોડ) |
| કોઠા / અડાલજ | અન્ય ડમ્પરો | સાદી રેતી અને રોયલ્ટી વગરનું વહન |
આ ઉપરાંત રાયસણ, મોટી શિહોલી અને અડાલજ ખાતેથી પણ ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્રની કડક ચેતવણી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખનિજ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ સાબરમતી નદીના પટમાં અને અન્ય વિસ્તારોમાં આવી ઓચિંતી તપાસ ચાલુ રહેશે. પકડાયેલા વાહન માલિકો પાસેથી નિયમ અનુસાર દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

