લોરેન્સ Bishnoi gangના હેરી બોક્સર પર સકંજો: એક્ટર રણવીર સિંહ પાસે માગી હતી 20 કરોડની ખંડણી, લુક આઉટ સર્ક્યુલર જાહેર
બોલિવૂડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાન ખાન બાદ હવે અભિનેતા રણવીર સિંહને ધમકી આપવાના મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બિશ્નોઈ ગેંગના સભ્ય હરિચંદ્ર ઉર્ફે હેરી બોક્સર વિરુદ્ધ ‘લુક આઉટ સર્ક્યુલર’ (LOC) જાહેર કર્યો છે. આ પગલાનો મુખ્ય હેતુ આરોપીને વિદેશ ભાગતા અટકાવવાનો અને તેની ધરપકડનો માર્ગ મોકળો કરવાનો છે.
વોઈસ નોટ મોકલી માગી હતી કરોડોની ખંડણી
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રણવીર સિંહના મેનેજર વિજય સુબ્રમણિયનને એક ધમકીભર્યો ‘વોઈસ નોટ’ મળ્યો. આ ઓડિયો મેસેજમાં મોકલનારે પોતાની ઓળખ હેરી બોક્સર તરીકે આપી હતી અને રણવીર સિંહના જીવના બદલામાં 20 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. મુંબઈ પોલીસે આ વોઈસ નોટની ખરાઈ કરવા માટે તેને પંજાબ અને હરિયાણા પોલીસ પાસે મોકલ્યો હતો, જ્યાં તપાસમાં પુષ્ટિ થઈ હતી કે આ અવાજ હેરી બોક્સરનો જ છે.
અમેરિકાથી ઓપરેટ થઈ રહી છે ગેંગ?
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, હેરી બોક્સર હાલ અમેરિકામાં છુપાયેલો છે. જે વોટ્સએપ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેની વધુ વિગતો મેળવવા માટે મુંબઈ પોલીસે અમેરિકી સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં પણ આ જ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું હતું.
કોણ છે આ હેરી બોક્સર?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હેરી બોક્સરનું અસલી નામ હરિચંદ છે. તેના પિતા ગિરધારી જાટ હરિયાણામાં ખેતી કરે છે. નવાઈની વાત એ છે કે, એક સમયે હરિચંદ પોલીસમાં ભરતી થવાની તૈયારી કરી રહ્યો હતો અને જયપુરમાં બોક્સિંગ શીખતો હતો, જેના પરથી તેનું નામ ‘હેરી બોક્સર’ પડ્યું. જોકે, પાછળથી તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં આવ્યો અને ગુનાખોરીના રસ્તે ચઢી ગયો. તે ‘ડંકી રૂટ’ (ગેરકાયદેસર રસ્તો) દ્વારા 2024માં અમેરિકા પહોંચ્યો હોવાનું મનાય છે.
રોહિત શેટ્ટી અને કપિલ શર્મા સાથે પણ કનેક્શન
હેરી બોક્સર માત્ર રણવીર સિંહ જ નહીં, પણ અન્ય સેલેબ્રિટીઝ માટે પણ માથાનો દુખાવો બન્યો છે. કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર થયેલા ફાયરિંગમાં પણ તેનું નામ ઉછળ્યું હતું. ઉપરાંત, રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કરવાની યોજના પણ હેરીના નિર્દેશ પર જ ઘડવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર વચ્ચેના વિખવાદ બાદ હવે અમેરિકામાં ગેંગની કમાન હેરી બોક્સર સંભાળી રહ્યો હોવાની ચર્ચા છે.

