ટ્રમ્પ ટેરિફ રદ તો પછી અમેરિકા સાથે ઉતાવળમાં ડીલ કેમ? ખડગેએ મોદી સરકારની વિદેશ નીતિ પર કર્યા આકરા પ્રહાર
ભારત-અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની વેપાર સમજૂતી (Trade Deal) ને લઈને હવે દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું છે કે, આ આત્મનિર્ભરતા છે કે અમેરિકા સામે ‘એકતરફી આત્મસમર્પણ’?
ઉતાવળમાં કરાયેલી ‘છેતરામણી’ સમજૂતીનો આરોપ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ દ્વારા ખડગેએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે અમેરિકી સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ કરી દીધા હતા, તો પછી ભારત સરકારે આટલી ઉતાવળ કેમ કરી? ખડગેએ આ સમજૂતીને ‘જાળ’ ગણાવતા પ્રશ્ન કર્યો કે સરકારે અમેરિકી કોર્ટના ચુકાદાની રાહ કેમ ન જોઈ? તેમણે આરોપ લગાવ્યો કે આ ડીલથી ભારતને કોઈ ખાસ ફાયદો નથી થયો, ઉલટું અનેક મોટી છૂટછાટો આપી દેવામાં આવી છે.
ભારતીય ખેતી અને અર્થતંત્ર પર ખતરો?
સંયુક્ત નિવેદનની ટીકા કરતા કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, આ કરાર હેઠળ અનેક અમેરિકી વસ્તુઓ પર ઝીરો ટેરિફ (શૂન્ય ટેક્સ) રાખવામાં આવ્યો છે. આનાથી અમેરિકાની સસ્તી કૃષિ પેદાશો ભારતીય બજારોમાં ઉતરી આવશે, જે સીધી રીતે ભારતના ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડશે. આ ઉપરાંત, 500 અબજ અમેરિકી ડોલરના ઉત્પાદનોની આયાત કરવાની યોજના અને ડિજિટલ સેક્ટરમાં આપવામાં આવેલી ટેક્સ રાહતોને કારણે ભારતીય વેપારીઓ અને નાના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
રશિયન તેલ અને ઉર્જા સુરક્ષાનો મુદ્દો
ખડગેએ વધુમાં ઉર્જા સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આ ડીલ હેઠળ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા પર પ્રતિબંધ લાદવાની જે વાત સામે આવી રહી છે, તે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પર સીધો પ્રહાર છે. રશિયન તેલ પરની નિર્ભરતા ઘટાડવાના વચનથી ભારતની ઉર્જા સુરક્ષા જોખમાઈ શકે છે અને તેલના ભાવમાં વધારો થવાની પણ શક્યતા છે.
વડાપ્રધાન પાસે સત્ય જાણવાની માંગ
પોતાની પોસ્ટના અંતે ખડગેએ સીધો વડાપ્રધાન મોદીને સવાલ કર્યો કે, “તમારા પર કોનું દબાણ હતું કે તમે ભારતના રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતી કરી?” તેમણે એપસ્ટીન ફાઇલ્સ (Epstein Files) નો ઉલ્લેખ કરીને પણ કટાક્ષ કર્યો અને માગણી કરી કે 140 કરોડ ભારતીયોના આત્મસન્માન અને ખેડૂતો, મજૂરો તથા નાના વેપારીઓના રક્ષણ માટે એક ‘નિષ્પક્ષ’ સમજૂતી થવી જોઈએ.
