સત્તા સાથે કોઈ લેવાદેવા નથી: મોહન ભાગવતે સંઘના મૂળભૂત ઉદ્દેશ્ય અને ભાજપ સાથેના સંબંધો પર કરી સ્પષ્ટતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેહરાદૂનમાં આયોજિત ‘જાહેર સંવાદ’ કાર્યક્રમમાં હજારોની મેદનીને સંબોધતા એકતા અને રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે આપણે જ્યારે પણ આપણો સાચો સ્વભાવ ભૂલ્યા છીએ અને વિખેરાયા છીએ, ત્યારે આપણે ગુલામીનો સામનો કરવો પડ્યો છે.
શક્તિની ઉપાસના અને સામાજિક સુરક્ષા
ભાગવતે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, “જ્યારે કોઈ સમાજ શક્તિની પૂજા કરવાનું બંધ કરે છે, ત્યારે તે સંખ્યામાં મોટો હોવા છતાં નબળો સાબિત થાય છે. જો સમાજ સશક્ત અને સંગઠિત નહીં હોય, તો તે પોતાના જ દેશમાં અસુરક્ષિત અનુભવવા લાગે છે.” તેમણે ઉમેર્યું કે વર્તમાન વિશ્વ સત્યને ત્યારે જ સ્વીકારે છે જ્યારે તેની પાછળ શક્તિ ઉભી હોય. જો સંદેશને પ્રભાવશાળી બનાવવો હોય, તો સમાજનું સંગઠિત હોવું અનિવાર્ય છે.
હિન્દુત્વની નવી વ્યાખ્યા: વિવિધતામાં એકતા
હિન્દુ ધર્મ અને તેની વિભાવના પર બોલતા સરસંઘચાલકે સ્પષ્ટ કર્યું કે, “હિન્દુ બનવું એટલે કોઈ એક ચોક્કસ બીબામાં ઢળવું નથી. આપણી ભાષા, ખાદ્યપદાર્થો, સંપ્રદાયો અને પૂજા પદ્ધતિઓ અલગ હોઈ શકે છે, પરંતુ આપણો પાયો એક જ છે. હિન્દુત્વ માટે એકરૂપતા (Uniformity) ની જરૂર નથી, પરંતુ એકતા (Unity) ની જરૂર છે.” તેમણે ભારતીય સંસ્કૃતિના પાયા તરીકે પરસ્પર આદર અને સમન્વયને ગણાવ્યા હતા.
RSS અને સત્તા વચ્ચેનો સંબંધ
રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મૂકતા મોહન ભાગવતે કહ્યું કે, “સંઘનો સત્તા સાથે કોઈ સીધો સંબંધ નથી. સંઘ કોઈ રાજકીય પક્ષ કે જૂથ બનાવવા માટે નથી, પરંતુ સમગ્ર સમાજને મજબૂત બનાવવા માટે છે.” તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે ભારતીય જનતા પાર્ટી એક સ્વતંત્ર રાજકીય પક્ષ છે. જોકે ત્યાં કામ કરતા અનેક લોકો સ્વયંસેવકો છે, પરંતુ તેમની પ્રવૃત્તિઓને સંઘનું ઔપચારિક કાર્ય ગણવું એ ભૂલભરેલું છે. સંઘનું પ્રાથમિક કાર્ય ‘વ્યક્તિ નિર્માણ’ છે, કારણ કે ચરિત્રવાન વ્યક્તિઓ જ શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.
રાષ્ટ્રભક્તિનો વારસો: ડો. હેડગેવારનું સ્મરણ
સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે, તેઓ જન્મજાત દેશભક્ત હતા. અંગ્રેજો સામેના સંઘર્ષ દરમિયાન તેમણે પૂછ્યું હતું કે, “મુઠ્ઠીભર વિદેશીઓને આ ધરતી પર શાસન કરવાનો હક કોણે આપ્યો?” આ જ ક્રાંતિકારી વિચારધારા સાથે RSS ની સ્થાપના કરવામાં આવી હતી, જેથી ભારત ફરી ક્યારેય પરતંત્ર ન બને.
મોહન ભાગવતના આ સંવાદે સ્પષ્ટ કર્યું છે કે સંઘનું આગામી લક્ષ્ય જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને સમગ્ર હિન્દુ સમાજને એક તાંતણે બાંધવાનું છે. તેમના મતે, ભારત જ્યારે તેના પરંપરાગત મૂલ્યો અને જ્ઞાન સાથે ઊભું થશે, ત્યારે જ તે વિશ્વગુરુ બનીને સમગ્ર દુનિયાને માર્ગદર્શન આપી શકશે.

