ઈમરાન ખાનને જેલથી હોસ્પિટલ ખસેડાયા: આંખની રોશની બચાવવા માટે અપાયું ઇન્જેક્શન, જાણો શું છે બીમારી
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે તેમને આંખની ગંભીર બીમારી ‘સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝન’ (CRVO) ની સારવાર માટે અદિયાલા જેલથી ચુસ્ત સુરક્ષા વચ્ચે ઈસ્લામાબાદની પિમ્સ (PIMS) હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં અંદાજે એક કલાક સુધી તેમની તપાસ અને સારવાર ચાલ્યા બાદ તેમને ફરી જેલમાં મોકલી દેવાયા છે.
આંખમાં બીજું ઇન્જેક્શન અપાયું, હવે 23 માર્ચે થશે આગામી સારવાર
ડોક્ટરોની સલાહ મુજબ ઈમરાન ખાનની આંખની સારવાર માટે કુલ ત્રણ ઇન્જેક્શન આપવામાં આવનાર છે. આ શ્રેણીમાં ગઈકાલે તેમને બીજું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ અગાઉ તેમને જાન્યુઆરીમાં પણ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. મેડિકલ બોર્ડના જણાવ્યા અનુસાર, હવે તેમને ત્રીજું ઇન્જેક્શન આગામી 23 માર્ચના રોજ આપવામાં આવશે. આ સારવાર દરમિયાન પિમ્સ હોસ્પિટલ અને શિફા ઇન્ટરનેશનલ આઇ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ હાજર રહી હતી.
હૃદયની તપાસમાં સ્થિતિ સામાન્ય
આંખની તપાસની સાથે સાથે ડોક્ટરોએ ઈમરાન ખાનના હૃદયની સ્થિતિ જાણવા માટે ‘ઈકોકાર્ડિયોગ્રાફી’ અને ‘ઈસીજી’ (ECG) પણ કર્યા હતા. હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, ઈમરાન ખાનના હૃદયના રિપોર્ટ્સ અત્યારે સામાન્ય જોવા મળ્યા છે. કોઈપણ પ્રક્રિયા શરૂ કરતા પહેલા કાયદાકીય જોગવાઈઓ મુજબ તેમની લેખિત સંમતિ પણ લેવામાં આવી હતી.
શું છે CRVO બીમારી?
ઈમરાન ખાનના વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેઓ સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝન (CRVO) નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારીમાં આંખની રેટિના (પડદા) માં લોહી લઈ જતી મુખ્ય નસમાં અવરોધ આવે છે, જેના કારણે આંખની રોશની જવાનું જોખમ રહેલું હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા મોટી ઉંમરે હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસ જેવી બીમારીઓના કારણે ઉદભવતી હોય છે.

