બાગાયત ખાતાની સહાય અને સંગાથ સંસ્થાના માર્ગદર્શનથી ગુલાબની ખેતીમાં સફળતા મેળવનાર ધોળકા ગામના ખેડૂત
વડોદરા જિલ્લાના ધોળકા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ ચૌહાણ વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ તેઓ એવી ખેતીની શોધમાં હતા જેમાં સમયની બચત થાય અને રોજની આવક મળે. વડોદરાની ‘સંગાથ’ સંસ્થાના માર્ગદર્શનથી તેમણે ગુલાબની ખેતી કરવાનું નક્કી કર્યું. માત્ર બે મહિના પહેલા જ તેમણે પોતાની ૨૨ ગુંઠા જમીનમાં ૧૦૦૦ જેટલા કશ્મીરી ગુલાબના છોડ રોપીને આ નવી શરૂઆત કરી હતી, જેના સકારાત્મક પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે.
ઓછા પરિશ્રમમાં વધુ વળતર અને દરરોજની રોકડ આવક
વિનુભાઈ પહેલા બાજરી, મકાઈ અને ઘઉં જેવા પાકો લેતા હતા, જેમાં આખો દિવસ મહેનત કરવી પડતી અને આવક માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. તેની સામે ગુલાબની ખેતીમાં ફાયદો એ છે કે વહેલી સવારે માત્ર બે કલાકમાં જ પરિવારના સભ્યો મળીને ફૂલો વીણી લે છે અને માર્કેટમાં પહોંચાડી દે છે. ફૂલો વેચાતા જ તરત રોકડ રકમ મળી જાય છે, જેનાથી તેમને દૈનિક ૩૦૦ થી ૪૦૦ રૂપિયાની ચોખ્ખી આવક થાય છે અને બાકીનો આખો દિવસ અન્ય કામો માટે ફાજલ મળે છે.
બાગાયત વિભાગની સહાય અને માવજતની સરળ રીત
આ ખેતી માટે વિનુભાઈને બાગાયત ખાતા તરફથી આર્થિક સહાય મળી છે. તેમણે જણાવ્યું કે ગુલાબના છોડને કોઈ ખાસ જટિલ માવજતની જરૂર પડતી નથી. ગોરાળુ જમીનમાં માત્ર છાણીયું ખાતર અને સમયસર પાણી આપવાથી છોડ સ્વસ્થ રહે છે અને વધુ ફૂલો આપે છે. એકવાર છોડ રોપ્યા પછી તેની યોગ્ય સંભાળ રાખવામાં આવે તો તે ૫ થી ૭ વર્ષ સુધી સતત ફૂલો આપે છે, જે ખેડૂતો માટે લાંબા ગાળાનો નફો સાબિત થાય છે.
સરકારી યોજનાઓ અને સંસ્થાઓના સહયોગથી ખેડૂતો સમૃદ્ધ
વિનુભાઈએ તેમની આ સફળતા પાછળ દીપક ફાઉન્ડેશનના ‘સંગાથ’ પ્રોજેક્ટ અને વડોદરા બાગાયત વિભાગનો આભાર માન્યો છે. સરકારની વિવિધ બાગાયતી યોજનાઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોને કારણે આજે વડોદરા જિલ્લાના અનેક ખેડૂતો નવી ટેકનોલોજી અને પાકો અપનાવી રહ્યા છે. વિનુભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો આજે અન્ય લોકો માટે ઉદાહરણ બન્યા છે કે કેવી રીતે સ્માર્ટ ખેતી દ્વારા ઓછી મજૂરીમાં સારું વળતર મેળવી શકાય છે.

