“જો હું ન હોત તો ૩.૫ કરોડ લોકો માર્યા ગયા હોત”: ભારત-પાક સંઘર્ષ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સનસનાટીભર્યો ખુલાસો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે આપેલા પોતાના ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ સંબોધનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત પરમાણુ યુદ્ધને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમના હસ્તક્ષેપને કારણે જ દક્ષિણ એશિયામાં એક મોટી જાનહાનિ ટળી છે. તેમણે દાવો કર્યો કે જો તેઓ વચ્ચે ન પડ્યા હોત તો પાકિસ્તાનના વડાપ્રધાન સહિત લાખો લોકો આ યુદ્ધમાં હોમાઈ ગયા હોત.
૮ યુદ્ધો રોકવાનો દાવો અને પાક PMનો ઉલ્લેખ
પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે ગર્વ સાથે જણાવ્યું કે, “મેં મારા શાસનના પ્રથમ ૧૦ મહિનામાં કુલ ૮ જેટલા યુદ્ધો રોક્યા છે, જેમાં કંબોડિયા-થાઈલેન્ડ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો સમાવેશ થાય છે.” ટ્રમ્પે એક ડગલું આગળ વધીને કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પોતે તેમને સ્વીકાર્યું હતું કે જો અમેરિકાએ દખલ ન કરી હોત તો લગભગ ૩.૫ કરોડ લોકોના મોત નિપજ્યા હોત અને કદાચ પાક PM પણ જીવતા ન હોત.
શું હતો આખો વિવાદ? ‘ઓપરેશન સિંદૂર’ની પૃષ્ઠભૂમિ
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી થઈ હતી, જેમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. તેના જવાબમાં ભારત સરકારે ૭ મે (૨૦૨૫) ના રોજ આતંકીઓ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ભારતીય સેનાએ LOC પાર કરીને પાકિસ્તાનના અંદરના વિસ્તારોમાં આતંકી માળખાને નેસ્તનાબૂદ કર્યા હતા, જેમાં ૧૦૦થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાનો અંદાજ હતો.
પાકિસ્તાનનો પલટવાર અને ભારતનું એર ડિફેન્સ
ભારતના આકરા પ્રહાર બાદ પાકિસ્તાને પણ ડ્રોન અને UCAV (અનમેન્ડ કોમ્બેટ એરિયલ વ્હીકલ) દ્વારા ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતના અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતા. ટ્રમ્પના મતે, આ તણાવ એટલો વધી ગયો હતો કે તે ગમે ત્યારે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતો, પરંતુ તેમના હસ્તક્ષેપે સ્થિતિ થાળે પાડી હતી.
ટ્રમ્પની વધતી જતી ‘વૈશ્વિક મધ્યસ્થી’ની છબી
પોતાના ભાષણમાં ટ્રમ્પે વારંવાર ભારપૂર્વક કહ્યું કે એક મજબૂત અમેરિકી રાષ્ટ્રપતિ કેવી રીતે દુનિયામાં શાંતિ સ્થાપી શકે છે. ભારત ભલે આ પ્રકારની મધ્યસ્થીના દાવાઓને સત્તાવાર રીતે નકારતું રહ્યું હોય, પરંતુ ટ્રમ્પ આ ઘટનાને પોતાની વિદેશ નીતિની મોટી સફળતા તરીકે રજૂ કરી રહ્યા છે.

