પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાથી હસ્તકલાકારોને લોન, તાલીમ અને ટુલકીટ સહાય, સ્થાનિક કારીગરીને મળ્યો નવો વેગ
રાજકોટ શહેરમાં તાજેતરમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ખાતા દ્વારા પ્રથમ વખત ‘વિશ્વકર્મા પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરોની પરંપરાગત કળા અને કૌશલ્યને લોકો સમક્ષ લાવવાનો હતો. MSME અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ અને માર્કેટિંગ કરી શકે.
પરંપરાગત કળાને આર્થિક ટેકો અને માર્કેટિંગની તક
આ પ્રદર્શનમાં ‘એપલ વુડ આર્ટ ગેલેરી’ ચલાવતા સુથારી કામના નિષ્ણાત પ્રશાંતભાઈ ગંગાજળીયા જેવા અનેક કલાકારોએ ભાગ લીધો હતો. તેઓ લાકડામાંથી સુંદર મંદિરો, ઝૂલા અને અન્ય સુશોભનની ચીજો બનાવે છે. પ્રશાંતભાઈએ જણાવ્યું કે ‘પી.એમ. વિશ્વકર્મા યોજના’ હેઠળ તેમને ધંધાના વિકાસ માટે ઓછા વ્યાજ દરે ૧ લાખ રૂપિયાની લોન મળી છે. આવા પ્રદર્શનોમાં ભાગ લેવાથી તેમના વ્યવસાયનું માર્કેટિંગ વધ્યું છે અને હસ્તકલાને નવી ઓળખ મળી છે.
સ્વદેશી વસ્તુઓ તરફ વધતો ગ્રાહકોનો ઝોક
હવે લોકોનો અભિગમ બદલાયો છે અને તેઓ ચાઈનીઝ આઈટમોને બદલે ‘મેક ઇન ઇન્ડિયા’ એટલે કે સ્વદેશી વસ્તુઓ ખરીદવા તરફ વળ્યા છે. સરકારના આર્થિક પ્રોત્સાહન અને લોકોના સ્વદેશી પ્રત્યેના લગાવને કારણે સ્થાનિક કલાકારોની રોજગારી અને કળા બંને ખીલી રહ્યા છે. આ યોજના માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ કારીગરોના પરિશ્રમને સન્માન આપવાનું પણ કામ કરે છે, જેનાથી છેવાડાનો કારીગર આત્મનિર્ભર બની રહ્યો છે.
પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ મળતા વિવિધ લાભો
ભારત સરકાર દ્વારા હાથના કારીગરો માટે અમલમાં મુકાયેલી આ યોજનામાં નોંધણી કરાવ્યા બાદ અનેક સુવિધાઓ મળે છે. લાભાર્થીઓને આઈ.ડી. કાર્ડ, ૧૫ હજાર રૂપિયાની ટૂલકીટ અને તાલીમ દરમિયાન રોજનું ૫૦૦ રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. તાલીમ બાદ ધંધો વધારવા માટે પ્રથમ તબક્કે ૧ લાખ અને ત્યારબાદ ૨ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ ઉપરાંત, કલાકારોને તેમના ઉત્પાદનોના બ્રાન્ડિંગ અને વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ જેવો માર્કેટિંગ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે.

