વૈદિક હોળી દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ગૌસેવાનો અનોખો પ્રયાસ
વડોદરાના તરસાલી ગામમાં રહેતા શ્રુતિ દવે અને મનોજ સિંગ ગૌસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. શ્રુતિબેન મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ છે અને મનોજભાઈ વ્યવસાયે વકીલ છે. વર્ષ ૨૦૧૭માં માત્ર ત્રણ તરછોડાયેલી ગાયોને બચાવવાથી શરૂ થયેલી તેમની સફર આજે ૨૭ ગાયો અને નંદીઓ સુધી પહોંચી છે. ‘કામધેનુ સેવા સંવર્ધન ગૌ ટ્રસ્ટ’ દ્વારા તેઓ એવી ગાયોને આશ્રય આપે છે જેને માલિકોએ તરછોડી દીધી હોય અથવા જે કતલખાને જતી હોય.
ગોબર અને ગૌમૂત્રના મૂલ્યવર્ધનથી ગૌશાળા બની આત્મનિર્ભર
આ ગૌશાળાની ખાસિયત એ છે કે અહીં દૂધ ન આપતી ગાયોનો પણ પરિવારના સભ્યની જેમ ઉછેર થાય છે. ગૌશાળાના આર્થિક ખર્ચને પહોંચી વળવા માટે આ દંપતી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે. તેમણે ‘વૈદિક હોળી’નો એક વિશેષ કોન્સેપ્ટ વિકસાવ્યો છે, જેના વેચાણમાંથી થતી આવક ગાયોના ઘાસચારા અને સારવાર પાછળ ખર્ચવામાં આવે છે. આ રીતે ગૌશાળા કોઈના દાન પર નિર્ભર રહેવાને બદલે પોતે જ આત્મનિર્ભર બની છે.
૧૧ પ્રકારની સામગ્રીથી તૈયાર થાય છે પ્રદૂષણમુક્ત વૈદિક હોળી
શ્રુતિબેન જણાવે છે કે એક વૈદિક હોળી તૈયાર કરવા માટે ૧૫૧ કિલો છાણાનો ઉપયોગ થાય છે. જેમાં ગૌમૂત્ર, દેશી ગાયનું ઘી, ગુગળ, કપૂર, હવન સામગ્રી અને વિવિધ ઔષધિઓના તેલ જેવી ૧૧ પવિત્ર વસ્તુઓ ઉમેરવામાં આવે છે. છાણાને વ્યવસ્થિત રીતે ગોઠવીને લાકડાના બેઝ પર હોળીનો આખો ઢાંચો તૈયાર કરવામાં આવે છે. આ હોળીને સીધી જ પ્રગટાવી શકાય છે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ આપવામાં આવે છે.
પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે વૈદિક હોળીના વૈજ્ઞાનિક ફાયદા
વૈદિક હોળી પાછળ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. વસંત ઋતુ દરમિયાન વધતા જીવજંતુઓ અને બીમારીઓને રોકવા માટે આ હોળી એક ‘અગ્નિયજ્ઞ’ જેવું કામ કરે છે. તેના દહનથી ઓક્સિજનનું સર્જન થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે. આ પ્રયોગથી લાકડાનો વપરાશ ઘટતો હોવાથી વૃક્ષો કપાતા બચે છે અને પર્યાવરણનું જતન થાય છે. આમ, વૈદિક હોળી અપનાવવાથી ગૌમાતાની રક્ષાની સાથે સમાજને સ્વાસ્થ્યના પણ લાભ મળે છે.

