IPL 2026 પહેલા KKR ની વધી ચિંતા: ઉમરાન મલિકે 12 બોલમાં આપ્યા 59 રન, એક જ ઓવરમાં ખાધા 36 રન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની શરૂઆત આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. KKR ના ફાસ્ટ બોલર ઉમરાન મલિકનું કથળેલું ફોર્મ અત્યારે ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની ગયું છે. તાજેતરમાં રમાયેલી એક સ્થાનિક મેચમાં ઉમરાન ખૂબ જ મોંઘો સાબિત થયો હતો.
DY પાટિલ કપમાં ઉમરાન મલિકનો ફ્લોપ શો
ઉમરાન મલિક હાલમાં DY પાટિલ T20 કપમાં ટાટા સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમી રહ્યો છે. મુંબઈ કસ્ટમ્સ સામેની મેચમાં ઉમરાનનો સ્પેલ કોઈ દુઃસ્વપ્નથી ઓછો નહોતો. તેણે પોતાની પ્રથમ ઓવરમાં (ઇનિંગની બીજી ઓવર) 23 રન આપ્યા હતા, જેમાં બેટ્સમેનોએ તેને ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ અસલી ડ્રામા હજુ બાકી હતો.
એક જ ઓવરમાં આપ્યા 36 રન
જ્યારે ઉમરાન મેચની 13મી ઓવર ફેંકવા આવ્યો, ત્યારે તેણે શિસ્ત ગુમાવી દીધી હતી. આ ઓવર પૂરી કરવા માટે તેણે 10 બોલ ફેંકવા પડ્યા હતા, જેમાં ત્રણ નો-બોલ અને એક વાઈડનો સમાવેશ થાય છે. બેટ્સમેનોએ આ ઓવરમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકારીને કુલ 36 રન લૂંટ્યા હતા. આમ, માત્ર 2 ઓવરના સ્પેલમાં ઉમરાને 59 રન લૂંટાવી દીધા હતા. તેની સ્પીડ તો છે, પણ લાઇન અને લેન્થ પરનો કાબૂ ગાયબ દેખાઈ રહ્યો છે.
ટીમ ઇન્ડિયામાંથી લાંબા સમયથી બહાર
ભારતના સૌથી ઝડપી બોલર તરીકે જાણીતો ઉમરાન મલિક છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય ટીમની બહાર છે. તેણે ભારત માટે છેલ્લી મેચ જુલાઈ 2023માં રમી હતી. IPL માં પણ તેનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી. સ્પીડ હોવા છતાં યોગ્ય જગ્યાએ બોલિંગ ન કરી શકવાને કારણે તે બેટ્સમેનો માટે આસાન શિકાર બની જાય છે. ગત બે IPL સીઝનમાં પણ તેને રમવાની બહુ ઓછી તકો મળી હતી.
KKR ની બોલિંગ લાઇન-અપ મુશ્કેલીમાં
ઉમરાનનું ખરાબ ફોર્મ KKR માટે એટલે વધુ ચિંતાજનક છે કારણ કે ટીમના અન્ય મુખ્ય બોલરો પણ સમસ્યામાં છે. મુસ્તફિઝુર રહેમાન પ્રતિબંધને કારણે રમી શકશે નહીં, જ્યારે હર્ષિત રાણા ઈજાને કારણે બહાર છે. શ્રીલંકન બોલર મથિશા પથિરાના પણ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આવા સમયે ઉમરાન મલિક પાસેથી આશા હતી, પરંતુ તેના આ પ્રદર્શને KKR કેમ્પમાં ટેન્શન વધારી દીધું છે.

