રણજી ટ્રોફી ફાઈનલ: કર્ણાટકનું ટોપ ઓર્ડર ધરાશાયી, કેએલ રાહુલ અને પડિક્કલ સસ્તામાં આઉટ
રણજી ટ્રોફી 2025-26ની સિઝન હવે તેના અંતિમ પડાવ પર છે. હુબલીના KSCA સ્ટેડિયમમાં રમાઈ રહેલી ફાઈનલ મેચમાં કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરની ટીમો આમને-સામને છે. હાલમાં આ મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. જમ્મુએ પ્રથમ બેટિંગ કરતા 584 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં કર્ણાટકની શરૂઆત અત્યંત નબળી રહી હતી. માત્ર 57 રનના સ્કોર પર કર્ણાટકના 4 મહત્વના બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
કેએલ રાહુલ અને પડિક્કલ પાસેથી હતી મોટી આશા
કર્ણાટકની ટીમ અને ચાહકોને આ મહત્વની મેચમાં અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ અને દેવદત્ત પડિક્કલ પાસેથી ઘણી આશા હતી. પરંતુ ફાઈનલની પ્રથમ ઇનિંગમાં આ બંને ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા હતા. કેએલ રાહુલે 39 બોલ રમીને માત્ર 13 રન બનાવ્યા હતા. જમ્મુના ફાસ્ટ બોલર આકિબ નબીએ રાહુલને ઘણો પરેશાન કર્યો હતો. નબીએ પોતાની ધારદાર ઇનસ્વિંગ અને આઉટસ્વિંગ બોલિંગથી રાહુલ અને મયંક અગ્રવાલને રન બનાવવા દીધા નહોતા. બીજી તરફ, દેવદત્ત પડિક્કલ પણ માત્ર 11 રન બનાવી સુનિલ કુમારનો શિકાર બન્યો હતો.
સેમીફાઈનલમાં બંનેએ મચાવી હતી ધમાલ
આશ્ચર્યની વાત એ છે કે ફાઈનલ પહેલા ઉત્તરાખંડ સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં રાહુલ અને પડિક્કલ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મેચમાં કેએલ રાહુલે 211 બોલમાં 141 રનની શતકીય ઇનિંગ રમી હતી, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. તો પડિક્કલે બેવડી સદી ફટકારતા 330 બોલમાં 232 રન બનાવ્યા હતા. સેમીફાઈનલના હીરો રહેલા આ બંને ખેલાડીઓ ફાઈનલ જેવી મોટી મેચમાં સસ્તામાં આઉટ થતા કર્ણાટક મુશ્કેલીમાં મુકાયું છે.
જમ્મુ-કાશ્મીરના બેટ્સમેનોનો દબદબો
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી જમ્મુ-કાશ્મીરની ટીમે કર્ણાટકના બોલરોને બે દિવસ સુધી મેદાન પર દોડાવ્યા હતા. જમ્મુની આખી ટીમ 584 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ટીમ તરફથી શુભમ પુંડીરે શાનદાર 121 રન બનાવ્યા હતા, જ્યારે અન્ય 5 બેટ્સમેનોએ અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 5 વિકેટ ઝડપી હતી.

