IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારોની શક્યતા, આ બે સ્ટાર ખેલાડીઓની વાપસી લગભગ નક્કી!
ટીમ ઈન્ડિયા આજે ચેન્નાઈના મેદાનમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારત માટે હવે સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. સુપર-8 ના આ મહત્વના મુકાબલામાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ કેટલીક નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે. માનવામાં આવે છે કે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા બે મોટા ફેરફારો જોવા મળી શકે છે.
ચેન્નાઈમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે જંગ
T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 સ્ટેજમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે મેચ શરૂ થશે અને 6:30 વાગ્યે ટોસ ઉછાળવામાં આવશે. ચેન્નાઈની પિચ હંમેશા સ્પિનરોને મદદરૂપ રહી છે, તેથી ટીમ મેનેજમેન્ટ બોલિંગ અને બેટિંગના કોમ્બિનેશનમાં ફેરફાર કરવા માટે મજબૂર બન્યું છે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે મળેલી 76 રનની કારમી હાર બાદ ભારતની ચિંતા વધી ગઈ છે.
સંજૂ સેમસનની વાપસી અને રિંકુ સિંહની બાદબાકી?
બેટિંગ લાઇન-અપમાં સૌથી મોટો ફેરફાર ઓપનિંગ જોડીમાં જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજૂ સેમસનની ટીમમાં વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે. તે અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. જો આવું થશે, તો ઇશાન કિશન ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરી શકે છે. આ ફેરફારને કારણે રિંકુ સિંહને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે, કારણ કે અત્યાર સુધીની મેચોમાં તેને બેટિંગની બહુ તક મળી નથી અને તેની ભૂમિકા મર્યાદિત રહી છે.
વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલની એન્ટ્રી
બીજો મહત્વનો ફેરફાર સ્પિન વિભાગમાં જોવા મળી શકે છે. વાઇસ કેપ્ટન હોવા છતાં અક્ષર પટેલ છેલ્લી બે મેચથી બેન્ચ પર બેઠો છે. તેની જગ્યાએ રમી રહેલા વોશિંગ્ટન સુંદરને અત્યાર સુધી કોઈ ખાસ સફળતા મળી નથી. અક્ષર પટેલે આ વર્લ્ડ કપની શરૂઆતની ત્રણ મેચમાં છ વિકેટ ઝડપી હતી. ચેન્નાઈની ધીમી પિચ પર અક્ષરની સ્પિન બોલિંગ અને તેની બેટિંગ કરવાની ક્ષમતા ભારત માટે પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે. તેથી સુંદરની જગ્યાએ અક્ષરનું રમવું લગભગ નક્કી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ XI
અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

