૭ આતંકવાદીઓ અને ૧૨ હોસ્ટેજનો ડમી સિનારીયો, સુરક્ષા દળોએ ત્વરિત પ્રતિસાદથી બતાવી સજ્જતા
જામનગરમાં રિલાયન્સ રિફાઈનરી બાદ હવે શહેરના વ્યસ્ત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે મોટી કવાયત હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી અને જાણીતા ક્રિસ્ટલ મોલ ખાતે આતંકવાદ વિરોધી ‘મોકડ્રીલ’ યોજાઈ હતી. આ વિશેષ પ્રેક્ટિસ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તંત્રએ સાબિત કર્યું કે તેઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે કેટલા સજ્જ છે. આ ઓપરેશનનો હેતુ સંભવિત ખતરા સમયે વિવિધ વિભાગો વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો હતો.
આતંકીઓએ નાગરિકોને બાન પકડ્યાનો ડમી સિનારીયો
મોકડ્રીલ દરમિયાન એવું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું હતું કે કલેક્ટર કચેરી અને મોલમાં ૭ આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને તેમણે ૧૨ નાગરિકોને બાન (હોસ્ટેજ) પકડ્યા છે. જેવી આ ઘટનાની જાણ થઈ કે તરત જ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), ચેતક કમાન્ડો અને પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ એક્શનમાં આવી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને બુલેટ પ્રુફ વાહનો, એમ્બ્યુલન્સ તેમજ ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
૫ કલાક સુધી ચાલ્યું દિલધડક ઓપરેશન અને આતંકીઓનો સફાયો
સુરક્ષા દળોએ વ્યૂહાત્મક રીતે કામગીરી કરતા બંને સ્થળોનો વીજપુરવઠો કાપી નાખ્યો હતો. કમાન્ડોએ અત્યંત કુશળતાથી આતંકીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું અને તમામ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. કલેક્ટર કચેરીમાં સાંજે ૬:૪૮ વાગ્યે શરૂ થયેલું આ ઓપરેશન રાત્રે ૧૨:૨૦ વાગ્યા સુધી એટલે કે સતત ૫ કલાક ચાલ્યું હતું. જ્યારે ક્રિસ્ટલ મોલમાં રાત્રે ૧૧:૩૦ થી મોડી રાત્રે ૩:૨૦ વાગ્યા સુધી આ મિશન ચાલ્યું હતું. અંતે તમામ ૧૨ નાગરિકોને સહીસલામત બચાવી લેવામાં આવ્યા હતા.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમે તમામ વિભાગો વચ્ચે ગજબનું સંકલન સાધ્યું હતું. જાહેર સ્થળો પર યોજાયેલી આ મોકડ્રીલથી એજન્સીઓ વચ્ચેના તાલમેલની કસોટી થઈ હતી. આ સફળ તાલીમ દ્વારા જામનગર વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ સાબિત કર્યું છે કે તેઓ જનતાની રક્ષા માટે ૨૪ કલાક તૈયાર છે. આ કવાયત જોઈને નાગરિકોમાં પણ સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

