Video: આ કેવું રેસ્ક્યૂ? બકરીને બચાવવા માસૂમનો જીવ જોખમમાં મૂક્યો, વીડિયો જોઈ લોકો બોલ્યા- ‘હદ છે!’
સોશિયલ મીડિયા પર અત્યારે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે માનવતા અને સમજદારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાની આ ઘટનામાં એક બકરીના બચ્ચાને બચાવવા માટે ગ્રામીણોએ જે રસ્તો અપનાવ્યો તે જોઈને કોઈપણ ધ્રુજી ઉઠે તેમ છે. એક સાંકડા અને ઊંડા કૂવામાં બકરીને કાઢવા માટે ગ્રામીણોએ એક નાના બાળકને દોરડા વડે નીચે ઉતારી દીધો હતો.
કૂવો ઊંડો હતો એટલે બાળકનો ઉપયોગ કર્યો?
મળતી માહિતી મુજબ, ગામમાં એક જૂનો અને સૂકો કૂવો હતો જે ઘણો ઊંડો અને સાંકડો હતો. રમતા-રમતા એક બકરીનું બચ્ચું તેમાં ખાબક્યું હતું. કૂવો એટલો સાંકડો હતો કે કોઈ પુખ્ત વયની વ્યક્તિ તેમાં ઉતરી શકે તેમ નહોતી. આથી, ગામના લોકોએ ભેગા મળીને એક અત્યંત જોખમી નિર્ણય લીધો. તેમણે એક નાના બાળકને દોરડા અને કપડાંની મદદથી બાંધીને કૂવામાં ઉતારવાનું નક્કી કર્યું.
कुएं में गिर गया था बकरी का बच्चा तो लोगों ने बच्चों को लटका कर बकरी के बच्चें को निकाला। pic.twitter.com/hRSX5HKwN0
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) February 24, 2026
જીવના જોખમે પાર પાડ્યું ઓપરેશન
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકને દોરડાના સહારે ધીમે-ધીમે અંધારા કૂવામાં ઉતારવામાં આવી રહ્યો છે. ઉપર ઉભેલા લોકો દોરડું પકડીને બાળકને સૂચનાઓ આપી રહ્યા છે. બાળકે પણ હિંમત બતાવીને નીચે પહોંચી બકરીના બચ્ચાને તેડી લીધું અને ત્યારબાદ ઉપર ઉભેલા લોકોએ બંનેને ખેંચીને બહાર કાઢ્યા. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં બાળક કે પ્રાણી કોઈને ઈજા થઈ નથી, પરંતુ આ પદ્ધતિએ લોકોમાં રોષ જગાડ્યો છે.
બહાદુરી કે બેદરકારી? સોશિયલ મીડિયા પર છેડાઈ ચર્ચા
આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો ગ્રામીણોની એકતા અને ત્વરિત નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે મોટાભાગના લોકો તેને ‘ઘોર બેદરકારી’ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક અબોલ જીવને બચાવવા માટે માનવ બાળકના જીવને જોખમમાં મૂકવો એ ક્યાંનો ન્યાય છે? જો દોરડું તૂટી ગયું હોત અથવા કૂવામાં ઝેરી ગેસ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
ગ્રામીણ વિસ્તારોમાં સંસાધનોનો અભાવ
આ ઘટના પાછળનું એક પાસું એ પણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં આપત્તિના સમયે ફાયર બ્રિગેડ કે રેસ્ક્યૂ ટીમ સમયસર પહોંચી શકતી નથી. સંસાધનોના અભાવે લોકો પોતાની રીતે દેશી જુગાડ કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. જોકે, નિષ્ણાતો માને છે કે આવા કિસ્સામાં વહીવટી તંત્રની મદદ લેવી જ હિતાવહ છે, કારણ કે પ્રોફેશનલ ટ્રેનિંગ વગર કરાયેલા આવા પ્રયોગો જીવલેણ સાબિત થઈ શકે છે.