ઓર્ગેનિક કાર્બન ઘટતા જમીન બંજર બનવાની ચેતવણી: ગુજરાતમાં ૮ લાખ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક કૃષિ
ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે એક ખાસ ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધારાસભ્યો અને ખેડૂતોને સંબોધતા રાસાયણિક ખેતીના જોખમો વિશે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પણ સૂક્ષ્મ જીવાણુઓની શક્તિ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડથી વધુ મિત્ર જીવાણુઓ હોય છે, જે જમીનને કુદરતી રીતે ફળદ્રુપ બનાવે છે. આ વિષયને વિધાનસભામાં સ્થાન મળ્યું તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
રાસાયણિક ખેતીથી વધતા રોગો અને જમીનની ઘટતી ફળદ્રુપતા પર ચિંતા
રાજ્યપાલશ્રીએ ખૂબ જ ગંભીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે આજે નાના બાળકોમાં પણ કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ ખોરાકમાં રહેલા ઝેરી રસાયણો છે. રિસર્ચ મુજબ માતાના દૂધમાં પણ હવે યુરિયા અને જંતુનાશકોના અંશ મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ખેતીની જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫% થી નીચે જતો રહ્યો છે, જે જમીન બંજર થવાની નિશાની છે. રાસાયણિક ખેતીથી જમીન કઠણ થઈ જાય છે, જેના કારણે વરસાદનું પાણી અંદર ઉતરવાને બદલે પૂરની સ્થિતિ સર્જાય છે.
‘બેક ટુ બેઝિક’: મુખ્યમંત્રીશ્રીએ આપ્યો સ્વાસ્થ્યપ્રદ જીવનનો મંત્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ની ઉક્તિને સાર્થક કરવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેક ટુ બેઝિક’ મંત્રનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ અભિયાન માત્ર ખેતી પૂરતું સીમિત નથી, પણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન માટે છે. તેમણે ‘કેચ ધ રેઈન’ અને ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનોને પ્રાકૃતિક ખેતી સાથે જોડીને પર્યાવરણને બચાવવા સૌને આહવાન કર્યું હતું.
૮ લાખથી વધુ ખેડૂતો જોડાયા: જન-આંદોલન બની પ્રાકૃતિક ખેતી
રાજ્ય સરકારના પ્રયાસો અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અત્યારે ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્યપાલશ્રીએ વિધાનસભાના દરેક સભ્યને વિનંતી કરી કે તેઓ પોતાના વિસ્તારના ઓછામાં ઓછા એક ગામને ‘પ્રાકૃતિક ગામ’ તરીકે વિકસાવે. સરકાર યુરિયા અને ડીએપી ખાતરની સબસિડી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, જો ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિ અપનાવે તો આ નાણાં બચાવી શકાય અને ખેડૂતોની આવક પણ બમણી કરી શકાય.
વિધાનસભા અધ્યક્ષ અને કૃષિ મંત્રીએ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે હવા અને પાણીને શુદ્ધ રાખવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. તેમણે મીડિયાને પણ આ જાગૃતિ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યપાલશ્રીનો આભાર માનતા કહ્યું કે આ પરિસંવાદ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, વૈજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા, જેમણે ઝેરમુક્ત ખેતીનો સંકલ્પ લીધો હતો.

