50,000 ક્યુસેક પાણી છોડાયાની કલ્પિત સ્થિતિમાં બોટ રેસ્ક્યુ અને સ્થળાંતર કવાયત સફળ
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી કટોકટીની સ્થિતિમાં તંત્રની સજ્જતા ચકાસવા માટે એક ખાસ મોકડ્રીલ યોજાઈ હતી. NDRF અને SDRFની ટીમોએ સાથે મળીને રાષ્ટ્રીય કક્ષાની આ કવાયત હાથ ધરી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ પૂર જેવી કુદરતી આપત્તિ સમયે વહીવટી તંત્ર અને બચાવ દળો વચ્ચેનું સંકલન મજબૂત કરવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.
૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાયાની સ્થિતિ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
મોકડ્રીલ દરમિયાન એવી સ્થિતિ ઊભી કરવામાં આવી હતી કે ડેમમાંથી ૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ તેજ પ્રવાહમાં ચાર વ્યક્તિઓ સવાર એક બોટ ઊંધી વળી જતાં તેઓ ફસાઈ ગયા હોવાનું નાટક (નિદર્શન) રચાયું હતું. NDRF અને SDRFની ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવીને આધુનિક સાધનોની મદદથી તેજ પ્રવાહમાં ફસાયેલા તમામ ચારેય વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી લીધા હતા.
નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર અને વ્યૂહાત્મક આયોજન
પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર (Evacuation) કેવી રીતે કરવું, તેનું પણ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. પાલનપુર પ્રાંત અધિકારી કમલભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, પૂરગ્રસ્ત લોકોને સમયસર બહાર કાઢી તેમના જાનમાલનું નુકસાન ઘટાડવા માટે આખું વ્યૂહાત્મક આયોજન અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેમાં તમામ સરકારી વિભાગોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભૂલો સુધારી ભવિષ્યની આપત્તિઓ માટે તંત્ર સજ્જ બન્યું
મોકડ્રીલના અંતે એક ‘ડી-બ્રીફિંગ’ સેસન યોજાયું હતું, જેમાં તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન જો કોઈ ખામી રહી ગઈ હોય તો તેના પર વિચારણા કરવામાં આવી જેથી સાચી આપત્તિ સમયે કોઈ ભૂલ ન થાય. આ કવાયત દ્વારા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ સાબિત કર્યું છે કે તે પૂર જેવી કોઈપણ હોનારતનો સામનો કરવા અને માનવજીવન બચાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
