અંબાજી મંદિર ટ્રસ્ટની અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ, યાત્રિકોને મળશે ઓનલાઈન સેવાઓની સુવિધા
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા મંદિરની સત્તાવાર મોબાઈલ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ડિજિટલ પહેલનો મુખ્ય હેતુ મંદિરના વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને ભક્તોને ઘરબેઠા સેવાઓ પૂરી પાડવાનો છે.
એક જ એપમાં અનેકવિધ સુવિધાઓ
આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે આ એપ્લિકેશન એક માઈભક્ત દ્વારા નિશુલ્ક તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશનમાં ઉપલબ્ધ મુખ્ય સેવાઓ નીચે મુજબ છે:
-
દર્શન અને સમય: આરતી અને દર્શનના લાઈવ સમયની જાણકારી.
-
દાન સુવિધા: જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટે ઓનલાઈન દાનની વ્યવસ્થા.
-
પ્રસાદ બુકિંગ: સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદનું ઓનલાઈન બુકિંગ અને ઈ-સ્ટોરની સુવિધા.
-
મેળા વ્યવસ્થાપન: ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘોનું રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની વિગતો.
ગુડ ગવર્નન્સ અને ટેકનોલોજીનો સમન્વય
અંબાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે અંદાજે ૧.૨૦ કરોડ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરે છે અને કરોડોનું દાન મેળવે છે. આટલા મોટા વહીવટને વધુ સુદ્રઢ બનાવવા માટે સેન્ટ્રલાઈઝ્ડ સર્વર અને આ એપ્લિકેશન આશીર્વાદરૂપ સાબિત થશે. ડિજિટલ માધ્યમથી વ્યવહારો થવાને કારણે હિસાબોમાં સચોટતા રહેશે અને ભક્તોનો સમય પણ બચશે.

