KCG અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસથી સ્થાનિક યુવાઓને નોકરીની તક
બનાસકાંઠા જિલ્લાના યુવાનોને અભ્યાસ બાદ તુરંત રોજગારી મળી રહે તેવા હેતુથી ડીસાની ડી.એન.પી. આર્ટ્સ કોલેજ ખાતે ‘મેગા પ્લેસમેન્ટ ફેર – ૨૦૨૬’ યોજાયો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને સીધા જ કંપનીઓ સાથે જોડીને નોકરીની તક પૂરી પાડવાનો હતો.
વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
આ પ્લેસમેન્ટ ફેરમાં જિલ્લાની કુલ ૧૪ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં બી.ઈ., ડિપ્લોમા, બી.સી.એ., બી.એસસી., બી.એ. અને બી.કોમ. જેવા વિવિધ કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની આવડત મુજબ અલગ-અલગ ક્ષેત્રોમાં કરિયર બનાવવા માટે ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ઈન્ટરવ્યૂ આપ્યા હતા.
૨૫૨ તેજસ્વી વિદ્યાર્થીઓને મળી રોજગારીની તક
આ પ્લેસમેન્ટ મેળામાં અલગ-અલગ ક્ષેત્રોના કુલ ૧૨ મોટા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કંપનીઓ દ્વારા લેવામાં આવેલા ઈન્ટરવ્યૂના અંતે કુલ ૨૫૨ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ સફળ આયોજનને કારણે બનાસકાંઠાના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી મળી છે, જેનાથી તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નખાયો છે. સ્થાનિક સ્તરે મળેલી આ તકથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
