IPL 2026 પછી ક્રિકેટથી દૂર રહેલા હાર્દિક પંડ્યાની વાપસી પર સંકટના વાદળો
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અને મેચ વિનર ખેલાડી હાર્દિક પંડ્યાની ફિટનેસ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સિઝન પૂરી થયા બાદથી જ હાર્દિક ક્રિકેટના મેદાનથી સંપૂર્ણપણે દૂર છે. આ દરમિયાન તેની વાપસીને લઈને અનેક અટકળો ચાલી રહી હતી, પરંતુ વારંવાર ઈજાઓ ઉભરી આવવાના કારણે તેની ક્રિકેટના મેદાન પર કમબેક કરવાની રાહ વધુ લાંબી થતી જાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, IPL દરમિયાન લાગેલી ઈજામાંથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરતી વખતે હાર્દિકને અલગ-અલગ ત્રણ પ્રસંગોએ ફરીથી ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિને જોતા હવે એવી પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે કે તે કદાચ સીધો IPL 2027 ની સિઝનમાં જ મેદાન પર વાપસી કરતો જોવા મળી શકે છે.
બેંગલુરુમાં રિહેબિલિટેશન અને વાપસી પર સતત બ્રેક
હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી બેંગલુરુ સ્થિત BCCI ના અત્યાધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (પૂર્વ નેશનલ ક્રિકેટ એકેડેમી) માં સખત ટ્રેનિંગ અને રિહેબિલિટેશન પ્રોગ્રામ હેઠળ પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે જાહેર કરવામાં આવેલી વનડે અને T20 સિરીઝ માટે પણ તેને ટીમમાં સ્થાન મળી શક્યું નહોતું.
મૂળ સમસ્યા એ છે કે સપ્ટેમ્બર મહિના દરમિયાન જ્યારે તે નેટ્સમાં મેચ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે તેને ફરીથી સ્ટ્રેસ ઇન્જરી (Stress Injury) થઈ ગઈ હતી. આા આંચકાના કારણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી ફરી એકવાર અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવી પડી હતી અને તેણે શૂન્યમાંથી ફરીથી પોતાનું રિહેબિલિટેશન શરૂ કરવું પડ્યું હતું.
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ અઠવાડિયામાં હાર્દિક હળવા સ્તરે દોડવાનું (Light Jogging) શરૂ કરી શકે છે. ત્યારબાદ ધીમે-ધીમે તેની દોડવાની કસરતોનો ભાર વધારવામાં આવશે અને છેલ્લે નેટ્સમાં બેટિંગ તેમજ બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવશે.

આગામી મોટી સિરીઝમાંથી બહાર રહેવાના એંધાણ
ફિટનેસ પાછી મેળવવાની આ લાંબી પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં ભારતીય ટીમ દ્વારા રમાનારી મહત્વપૂર્ણ શ્રોણીઓમાંથી હાર્દિકનું પત્તુ કપાવાની પૂરી સંભાવના છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શ્રીલંકા સામે રમાનારી મર્યાદિત ઓવરોની (વનડે અને T20) સિરીઝમાં હાર્દિકનું રમવું અત્યંત મુશ્કેલ જણાઈ રહ્યું છે.
આ ઉપરાંત, જાન્યુઆરી 2027 માં રમાનારી ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં પણ તેની ઉપસ્થિતિ પર શંકાના વાદળો ઘેરાયેલા છે. આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ ઉપરાંત ઘરેલુ વ્હાઇટ-બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાં પણ તે પોતાની ફ્રેન્ચાઈઝી કે રાજ્યની ટીમ માટે ઉપલબ્ધ નહીં રહી શકે તેમ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે IPL 2026 પૂરી થયા બાદથી હાર્દિકની ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાની તારીખો ઓછામાં ઓછી ત્રણ વખત બદલાઈ ચૂકી છે. આમાંથી બે વખત તો તેની સત્તાવાર રીતે ટીમમાં પસંદગી પણ થઈ ચૂકી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકવાને કારણે અથવા પ્રેક્ટિસ દરમિયાન ફરી ઈજા થવાને કારણે તેણે પોતાના નામ પાછા ખેંચવા પડ્યા હતા.

શું હાર્દિક માત્ર ‘IPL પૂરતો જ ખેલાડી’ બનીને રહી જશે?
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં એક જ મોટો સવાલ ચર્ચાના કેન્દ્રમાં છે કે, શું હાર્દિક પંડ્યા હવે માત્ર બે મહિનાની આઈપીએલ સિઝન રમવા પૂરતો જ ફિટ રહી શકશે? જો કોઈ ખેલાડી સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઈજાના કારણે બહાર રહેતો હોય અને માત્ર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ સુધી સીમિત થઈ જાય, તો તે ભારતીય ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
વર્ષ 2027 માં રમાનારા આગામી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા જે લાંબાગાળાની રણનીતિઓ અને યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે, તેમાં હાર્દિક પંડ્યા જેવા અનુભવી ઓલરાઉન્ડરની ભૂમિકા અત્યંત કેન્દ્રીય છે. પરંતુ તેની વારંવારની શારીરિક અક્ષમતા અને ઈજાઓ હવે રાષ્ટ્રીય પસંદગીકારો અને ટીમની ભવિષ્યની બ્લૂપ્રિન્ટ પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. આગામી સમયમાં હાર્દિક આ ફિટનેસ સંકટમાંથી કેવી રીતે બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે.
