WWE માં રોમન રેન્સની ‘ટ્રાઈબલ ચીફ’ તરીકે આણ: જ્હોન સીના અને અંડરટેકર જેવા 5 દિગ્ગજો જેઓ ક્યારેય ‘રોમન સામ્રાજ્ય’ને હરાવી શક્યા નથી
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) ના ઈતિહાસમાં જ્યારે પણ સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી રેસલર્સની વાત કરવામાં આવશે, ત્યારે ‘ટ્રાઈબલ ચીફ’ રોમન રેન્સનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. 2012 માં મેઈન રોસ્ટરમાં પ્રવેશ્યા બાદ રોમન રેન્સે રિંગમાં જે દબદબો બનાવ્યો છે, તે અભૂતપૂર્વ છે. ખાસ કરીને 2020 થી 2024 સુધીનો તેમનો 1316 દિવસનો ચેમ્પિયન તરીકેનો કાર્યકાળ WWE ના આધુનિક યુગનો સૌથી લાંબો અને યાદગાર સમય રહ્યો છે. જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રેસલિંગ જગતના પાંચ એવા મોટા દિગ્ગજો છે જેઓ પોતાના આખા કરિયરમાં ક્યારેય રોમન રેન્સને સિંગલ્સ મેચમાં હરાવી શક્યા નથી.
ધ અંડરટેકર (The Undertaker)
રેસલિંગની દુનિયાના ‘ડેડમેન’ ગણાતા અંડરટેકરનું 30 વર્ષનું કરિયર અને ‘રેસલમેનિયા’ની સ્ટ્રીક અત્યંત લોકપ્રિય છે. પરંતુ 2017 ના Wrestlemania 33 માં જ્યારે રોમન રેન્સ અને અંડરટેકર આમને-સામને આવ્યા, ત્યારે રેન્સે દિગ્ગજને ધૂળ ચટાડી હતી. અંડરટેકરના રેસલમેનિયા કરિયરની આ માત્ર બીજી હાર હતી. અંડરટેકર હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે, પરંતુ રોમન રેન્સ સામેની આ હાર તેમના કરિયરના અંતિમ તબક્કાનો સૌથી મોટો વળાંક હતો.
જ્હોન સીના (John Cena)
16 વખત વલ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા જ્હોન સીનાએ 2025 ના અંતમાં રેસલિંગને અલવિદા કહી દીધું છે. ‘નેવર ગિવ અપ’ના સૂત્ર સાથે જીવનારા સીના પણ રોમન રેન્સના વિજય રથને રોકી શક્યા નથી. બંને વચ્ચે બે મોટી ટક્કર થઈ છે અને બંને વખતે રોમન વિજેતા રહ્યો છે. સીના જેવા દિગ્ગજને ક્લીન હાર આપવી એ રોમન રેન્સની તાકાતનો પુરાવો છે. સીનાને કદાચ હંમેશા એ વાતનો મલાલ રહેશે કે તે ‘ટ્રાઈબલ ચીફ’ ને ક્યારેય નમાવી શક્યા નથી.
રેન્ડી ઓર્ટન (Randy Orton)
‘ધ વાઈપર’ તરીકે જાણીતા રેન્ડી ઓર્ટનનું નામ આ યાદીમાં સૌથી વધુ ચોંકાવનારું છે. ઓર્ટન અને રેન્સ વચ્ચે જૂની દુશ્મની રહી છે અને તેમની વચ્ચે 20 થી વધુ મુકાબલા થયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રેન્ડી ઓર્ટન ક્યારેય સિંગલ્સ મુકાબલામાં રોમન રેન્સને પછાડી શક્યા નથી. ઓર્ટન હજુ પણ એક્ટિવ રેસલર છે, તેથી ભવિષ્યમાં જો તેમને તક મળે તો તેઓ આ કલંક ભૂંસવા માંગશે.
ગોલ્ડબર્ગ (Goldberg)
પોતાની વિસ્ફોટક તાકાત અને ‘સ્પીયર’ માટે જાણીતા ગોલ્ડબર્ગે 2025 માં WWE માંથી સંન્યાસ લીધો હતો. 2022 ના Elimination Chamber માં રોમન રેન્સ અને ગોલ્ડબર્ગ વચ્ચે એક ડ્રીમ મેચ યોજાઈ હતી. ચાહકોને આશા હતી કે ગોલ્ડબર્ગ રોમનને પડકાર આપશે, પરંતુ રોમને ખૂબ જ સરળતાથી ગોલ્ડબર્ગને હરાવી દીધા હતા. ગોલ્ડબર્ગની આ હાર બાદ સાબિત થઈ ગયું હતું કે હવે WWE માં માત્ર એક જ ખેલાડીનો સિક્કો ચાલે છે અને તે છે રોમન રેન્સ.
એજ (Edge)
‘રેટેડ આર સુપરસ્ટાર’ એજનું કરિયર પણ શાનદાર રહ્યું છે. 2020 માં નવ વર્ષના લાંબા વિરામ બાદ વાપસી કરનારા એજે રોમન રેન્સ સામે બે વાર ટક્કર લીધી હતી. પરંતુ બંને વખત રોમન રેન્સે પોતાની ચતુરાઈ અને તાકાતથી એજને પરાજય આપ્યો હતો. એજ પાસે કરિયરના અંતિમ તબક્કે મોટી ઉપલબ્ધિ હાંસલ કરવાની તક હતી, પરંતુ રોમન રેન્સ નામની દીવાલ તે ઓળંગી શક્યા નહીં.

