પ્રશ્નપત્ર લીક અટકાવવા ઝોનલ કચેરીથી પરીક્ષા ખંડ સુધી ટ્રેકિંગ, તબક્કાવાર ફોટોગ્રાફ અપલોડથી સુરક્ષા ચકાસણી
દાહોદ જિલ્લામાં યોજાઈ રહેલી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રોની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટી દાહોદના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેથી ‘PATA’ (પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન) દ્વારા ઓનલાઇન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ પ્રશ્નપત્રો લીક થતા અટકાવવાનો અને સમગ્ર પરીક્ષા પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે.
પેપર બોક્સનું લોકેશન અને સુરક્ષા હવે આંગળીના ટેરવે
PATA એપના માધ્યમથી પ્રશ્નપત્રો જ્યારે ઝોનલ કચેરીથી નીકળે અને પરીક્ષા ખંડ સુધી પહોંચે ત્યાં સુધી વાહનોનું સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રશ્નપત્રના બંડલના વિવિધ તબક્કે ફોટોગ્રાફ્સ પાડીને એપ્લિકેશનમાં અપલોડ કરવાના હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ સીલ કરેલા પાર્સલના ફોટા પણ અપલોડ કરવાના હોવાથી, સુરક્ષાની ચકાસણી માટે કુલ ૧૨ જેટલા ફોટોગ્રાફ્સ આ એપ્લિકેશન દ્વારા લેવામાં આવે છે.
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામાએ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને આ હાઈટેક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. કંટ્રોલ રૂમ ખાતે ખાસ નિયુક્ત કરવામાં આવેલા શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ ભોકણ દરેક કેન્દ્ર અને પેપરની અવરજવર પર સતત નજર રાખી રહ્યા છે. આ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને ટેકનોલોજીના સમન્વયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાની વિશ્વસનીયતા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
