લોકગાયક ભાવેશ આહિરની જોરદાર રજૂઆતથી ઝૂમી ઉઠ્યું આહવા, ડાંગ દરબારમાં ઉમટી ભીડ
ડાંગ જિલ્લાનો ઐતિહાસિક અને પરંપરાગત ‘ડાંગ દરબાર’ મેળો આ વર્ષે કલેક્ટર શાલિની દુહાન (IAS) ના કુશળ વ્યવસ્થાપનને કારણે પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ ૨૦૨૬ સુધી આહવા ખાતે યોજાઈ રહેલા આ મેળામાં આદિવાસી કલા અને પરંપરાઓનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રની દૂરંદેશીને કારણે હજારોની સંખ્યામાં ઉમટેલા લોકો માટે સુરક્ષા અને સુવિધાની શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકગાયક ભાવેશ આહિરની પ્રસ્તુતિએ જમાવી જમાવટ
મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી, જેમાં સ્થાનિક આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્યો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ પ્રસિદ્ધ લોકગાયક ભાવેશ આહિરે પોતાની આગવી શૈલીમાં ગીતોની પ્રસ્તુતિ આપી વાતાવરણમાં નવો જોશ ભરી દીધો હતો. કલેક્ટર સુશ્રી શાલિની દુહાને પોતે આ કાર્યક્રમમાં હાજર રહીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો, જેની પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
વિવિધ નૃત્યો અને સંગીતની મજિજબાની: આગામી કાર્યક્રમોની ઝલક
૧ માર્ચના રોજ ‘રંગ ઉપવન’ ખાતે સંગીતકાર પ્રિતમ શુક્લા અને રૂપણ રાણાના સૂર માણવા મળશે. આ સાથે જ ડાંગના વિશિષ્ટ નૃત્યો જેવા કે પાવરી, રાઠવા, ઘુમ્મર, અને સિધ્ધિ ધમાલ નૃત્યની આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ મેળો માત્ર મનોરંજન જ નહીં, પણ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યો છે.

